ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અમિતાભ બચ્ચને પોતાની અલગ ઓળખ બનાવી છે. પોતાની સખત મહેનતના લીધે તેમણે ન ફક્ત એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું પરંતુ દાદાસાહેબ ફાળકે એવોર્ડ જેવા અનેક નેશનલ એવોર્ડથી પણ તેઓ સન્માનિત છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમ જ ઉંમરના આ તબક્કામાં પણ એક્ટિંગમાં સતત કાર્યરત રહે છે અને આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ છે.
તાજેતરમાં અમિતાભ બચ્ચને બોલીવૂડમાં 52 વર્ષ પૂર્ણ કર્યા છે. બિગ-બીએ પોતાના જૂના દિવસોને યાદ કરતા પોતાની ઘણી થ્રૉ-બેક તસવીરો સોશિયલ મીડિયામાં મુકી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે આજના જ દિવસે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
બિગ-બીના ફૅન્સ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના ચાહકો બચ્ચનની નવી અને જૂની તસવીરોનો કોલાજ શૅર કરી રહ્યા છે. તેમ જ બિગ-બી પણ ચાહકોની પોસ્ટને રી-ટ્વિટ કરીને તેમનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ ફૅનના ટ્વિટને રી-ટ્વિટ કરીને લખ્યું છે- આજના જ દિવસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 15, 1969, 52 વર્ષ આભાર.
તેમ જ કેટલાક લોકોએ તેમની ત્યારની અને અત્યારની તસવીરો પણ શૅર કરી છે. ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચને મૃણાલ સેનની ફિલ્મ ભુવન શોમમાં એક વૉઈસ નેરેટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.
તેમની આ ફિલ્મને નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. આ સાથે જ તેમને એક નહીં પરંતુ ઘણી ફિલ્મો ‘સાત હિન્દુસ્તાની’, ‘આનંદ’, ‘પરવાના’, ‘રેશમા અને શૅરા’ અને ‘બૉમ્બે ટૂ ગોવા’ જેવી ફિલ્મોમા સારી એક્ટિંગ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.