બોલીવૂડના શહેનશાહ હવે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. બોલીવૂડના પ્રોડ્યુસર આનંદ પંડિત ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. તેઓ અત્યારે ફેમિલી કોમેડી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’નું નિર્માણ કરી રહ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશી મહત્ત્વની ભૂમિકામાં છે અને જય બોડાસ તેના દિગ્દર્શક છે. આ ફિલ્મ અંગે આનંદ પંડિતે જણાવ્યુ હતું કે, અમિતાભજી વગર કોઈપણ પ્રોજેક્ટનો વિચાર કરવો પોતાના માટે અઘરું છે. અમિતાભ બચ્ચન વર્ષોથી અનેક રીતે ગાઈડ કરે છે અને મેન્ટર તથા ફ્રેન્ડ છે. ફકત મહિલાઓ માટે ફિલ્મમાં કેમિયો માટે પૂછવામાં આવતાં તેમણે તરત જ હા કહી હતી. ડાયરેક્ટર અથવા સ્ક્રિપ્ટ વિશે સવાલ પૂછ્યા વગર તેઓ સીધા શૂટિંગ માટે આવી ગયા હતા. ગુજરાતી ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગુજરાતી પાત્ર ભજવતા હોય તેવું પ્રથમવાર બની રહ્યું છે. અમિતાભ બચ્ચને સેટ પર પહોંચીને સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેઓ ખૂબ હસ્યા હતા. નિયત સમયે આવીને તેમણે શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તેમને ખૂબ સહજતાથી ગુજરાતી સંવાદો બોલતા જોઈને ઘણાં લોકોને આશ્ચર્ય
થયું હતું. લાવારિસ ફિલ્મના એક કોમેડી સીનમાં તેઓ ઘણી ભાષાઓ બોલ્યા હતા અને તે સમયથી મને લાગતું હતું કે મારી ગુજરાતી ફિલ્મ માટે તેઓ કામ કરશે.’ આ ફિલ્મ આ વર્ષે 19 ઓગસ્ટે રીલીઝ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમિતાભ બચ્ચને ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળોએ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે એડનું શૂટિંગ કર્યું હતું.