બોલીવૂડના શહેનશાહ-મેગાસ્ટાર અમિતાભ બચ્ચને છેલ્લા પાંચ દસકામાં પોતાની કારકિર્દી દરમિયાન અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. દર્શકોમાં તેમના માટે અનોખું આકર્ષણ રહ્યું છે, પરંતુ તેનો લાભ ફિલ્મોને થયો નથી. છેલ્લા પાંચ વર્ષથી તેમની મોટાભાગની ફિલ્મો નિષ્ફળ રહી છે.
અમિતાભ બચ્ચનનો મહત્ત્વનો રોલ ધરાવતી નવી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ છે. નાગ અશ્વિનના ડાયરેક્શનમાં બની રહેલી ‘કલ્કિ 2898 એડી’ માટે રૂ.600 કરોડનું બજેટ રખાયું હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં બચ્ચન ઉપરાંત અન્ય ત્રણ કલાકારો પણ મહત્ત્વના રોલમાં છે. આ બહુચર્ચિત, બિગ બજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’નું ભવિષ્ય કેવું રહેશે તેની ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે.
અમિતાભ બચ્ચને વર્ષ 1969માં ‘સાત હિન્દુસ્તાની’થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેમણે ‘આખરી રાસ્તા’, ‘કુલી’, ‘સત્તે પે સત્તા’, ‘મર્દ’, ‘શહેનશાહ’ જેવી સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે. બોલીવૂડના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન હવે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાથી દૂર રહે છે. દરેક ફિલ્મમાં તેમનું પાત્ર મહત્ત્વનું હોય છે અને તેથી જ તેમની દરેક ફિલ્મ ચર્ચામાં રહે છે.
અમિતાભ બચ્ચને ‘કલ્કિ 2898 એડી’માં અશ્વત્થામાનો રોલ કર્યો છે. બચ્ચનના કેરેક્ટરની ઝલક આપતું ટીઝર તાજેતરમાં જાહેર કરાયું છે. પ્રાચીન દંતકથા અને આધુનિક સાયન્સ-ફિક્શનને દર્શાવતી આ ફિલ્મમાં અમિતાભે ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાનો રોલ કર્યો છે. દંતકથા મુજબ અશ્વત્થામાને ચિરંજીવી માનવામાં આવે છે. આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. સાઉથના સ્ટાર કમલ હાસનનો કેમિયો પણ છે. આમ, બચ્ચનની સાથે અન્ય ત્રણ સ્ટાર્સના નસીબ પણ આ ફિલ્મ સાથે જોડાયેલા છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમિતાભ બચ્ચનની સાત ફિલ્મો રિલીઝ થઈ છે. 2019માં સઈ રા નરસિમ્હા રેડ્ડી, 2021માં ચેહરે, 2022માં ઝુંડ, 2022માં રન વે, 2022માં ગુડ બાય, અને 2022માં ઉંચાઈ સહિત કુલ છ ફિલ્મો રિલીઝ થઈ હતી અને આ તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી. બચ્ચનની સૌથી વધુ પાંચ ફિલ્મો 2022માં રિલીઝ થઈ હતી, જેમાંથી એક માત્ર ‘બ્રહ્માસ્ત્ર’ને એવરેજ અથવા હિટ કહી શકાય તેમ છે. જોકે, ટીવી પડદે તેમનો ખૂબ જ લોકપ્રિય ક્વિઝ શો- કૌન બનેગા કરોડપતિ એકાદ દસકાથી સફળતાના શિખરે પહોંચ્યો છે. આ વર્ષે તેને ફરીથી દર્શાવવાની તૈયારીઓ થઇ રહી છે.