બોલીવૂડના પીઢ અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની મંજૂરી વગર અનેક બાબતોમાં તેમની તસવીર, નામ અને અવાજનો બેરોકટોક દુરુપયોગ થતો હતો. આ બાબત અમિતાભ બચ્ચનના ધ્યાનમાં આવતા તેમણે કોર્ટમાં અરજી કરી હતી, જેના પર તાજેતરમાં સુનાવણી શરૂ થઇ હતી.
આ અંગે દિલ્હીની હાઇકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, અરજદાર અમિતાભ બચ્ચનની મંજૂરી વગર તેમના ફોટો, અવાજ અને તસવીરોનો ઉપયોગ કરી શકાશે નહીં. જસ્ટિસ નવીન ચાવલાએ ઓથોરિટી ઓફ ટેલીકોમ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે કે, સીનિયર બચ્ચનના નામ, તસવીરો અને પર્સનાલિટી સ્ટેટસને તાત્કાલિક દૂર કરવામાં આવે.
અમિતાભના વકીલે એવી દલીલ કરી હતી કે, તેમના અસીલના નામના ટી-શર્ટ બની રહ્યા છે, ઘણા લોકો તેમના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે, કોઇ પોસ્ટર વેચી રહ્યું છે. ઘણા લોકોએ તો અમિતાભબચ્ચન ડોટ કોમના નામથી ઇન્ટરનેટ ડોમેઇન પણ રજિસ્ટર કરાવ્યા છે. મહાનાયક બચ્ચને પુસ્તક પ્રકાશક, ટી-શર્ટ વેન્ડર્સ અને જુદા જુદા બિઝનેસીઝ સામે પણ આદેશ આપવાની માગ કરી છે. તેઓ એક જાણીતી હસ્તી હોવાથી તેમની મંજૂરી વગર તેના નામનો ઉપયોગ થાય એ ખોટું છે. એડવર્ટાઇઝિંગ કંપનીઓને અમિતાભના નામ અને અવાજનો ઉપયોગ કરવા માટે અગાઉથી તેમની મંજૂરી લેવાની રહેશે.