બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને હવે રમત-ગમતના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ટેનિસની ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમ ખરીદી હોવાની જાહેરાત કરી હતી. આઇએસપીએલ ભારતની સૌ પ્રથમ ટેનિસ બોલ ટી10 ક્રિકેટ લીગ છે જે, આ વર્ષે 2થી 9 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાશે. આ લીગ ભારતમાં પ્રથમવાર સ્ટેડિયમમાં રમાશે.
ટુર્નામેન્ટમાં છ ટીમ વચ્ચે 19 મેચ રમાશે. આ લીગમાં હૈદરાબાદ, મુંબઈ, બેંગલોર, ચેન્નાઈ, કોલકાતા અને શ્રીનગરની ટીમોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, આ લીગના ભાગ બનીને તેમણે એક નવો પ્રારંભ કર્યો છે. મારા માટે નવો દિવસ અને નવું સાહસ છે. એક માલિક તરીકે મુંબઈની ટીમ સાથે જોડાવાથી હું રોમાંચ અનુભવી રહ્યો છું. આ લીગ એવા ખેલાડીઓ માટે ઉમદા તક સમાન છે જેઓ શેરીઓ, ગલીમાં જાતે બનાવેલી પિચો પર ક્રિકેટ રમે છે.