મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની ૪૩ વર્ષ જૂની સુપરડુપર હીટ ફિલ્મ અમર-અકબર-એન્થનીને બાહુબલી-૨ સાથે સરખાવી હતી. તેમના જણાવ્યા અનુસાર જો ફુગાવાનો દર ધ્યાનમાં લઈએ તો આ ફિલ્મે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાહુબલી-૨’ કરતા વધારે વકરો કર્યો કહેવાય. અમિતાભ ઉપરાંત વિનોદ ખન્ના રીષી કપૂર, નીતૂ સિંહ, શબાના આઝમી અને પરવીન બાબીને ચમકાવતી આ ફિલ્મે તે સમયે રૂ. ૭.૫ કરોડનો ધંધો કર્યો હતો જ્યારે બાહુબલીએ રૂ. ૧૮૦૦ કરોડ કમાયા હતા.
પોતાના તે દિવસો યાદ કરતા બીગ બીએ સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી હતી કે તે સમયે મુંબઈના ૨૫ થિયેટરમાં આ ફિલ્મ ૨૫ અઠવાડિયા ચાલી હતી, પરંતુ હવે તે દિવસો રહ્યા નથી. ફિલ્મ સાથે જોડાયેલી યાદોને તાજી કરતા ૭૭ વર્ષીય મેગાસ્ટારે જણાવ્યું હતું કે પહેલીવાર મનમોહન દેસાઈ જ્યારે આ ફિલ્મનું શીર્ષક બોલ્યા હતા ત્યારે મને લાગ્યું કે થઈ ગયું! તે સમયે ફિલ્મોના શીર્ષક બહેન, ભાભી અને બેટી આસપાસ જ ફરતા રહેતા હોય છે. બચ્ચને આ ફિલ્મના સેટ પર તે સમયે આવેલા નાના અભિષેક અને શ્ર્વેતાનો ફોટો પણ શેર કર્યો હતો.