બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન રવિવારે રક્ષાબંધનની સાંજે મુંબઈની લીલાવતી હોસ્પિટલ બહાર જોવા મળતા ચાહકો ચિંતાતુર બન્યાં હતા. જોકે 78 વર્ષીય અમિતાભ સંપૂર્ણ પણે સ્વસ્થ દેખાઈ રહ્યા હતા અને તેમની સાથે દીકરી શ્વેતા બચ્ચન નંદા પણ હતી. અમિતાભ બચ્ચનની આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાઇરસ થઈ હતી. બચ્ચન અને શ્વેતા કારમાં આવ્યા અને તરત હોસ્પિટલની અંદર ચાલ્યા હતા. અમિતાભ બચ્ચન હોસ્પિટલ કેમ ગયા હતા તેની કોઈ સત્તાવાર જાણકારી હજી સુધી સામે આવી નથી.
જોકે મીડિયા અહેવાલ મુજબ હોસ્પિટલમાં હાથની ઇજાની સારવાર કરાવી રહેલા અભિષેક બચ્ચનની ખબર અંતર પૂછવા બીગ બી ગયા હોવાનું માનવામાં આવે છે. જોકે આ અહેવાલને બચ્ચન પરિવાર કે હોસ્પિટલે પુષ્ટી આપી ન હતી.
અમિતાભ બચ્ચન પોતાના રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલ જતા રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને જાણકારી પણ આપતા રહે છે. આ વખતે હોસ્પિટલ જવા પાછળનું કારણ સામે આવ્યું નથી. અમિતાભ બચ્ચન રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.