અમિતાભ બચ્ચને પોતાના પ્રશંસકો માટે તાજેતરમાં એક મોટી જાહેરાત કરી હતી. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે ટ્વીટ કર્યું છે કે, તેઓ પોતાના પિતા હરિવંશરાય બચ્ચનના એક પુસ્તકને પોતાના અવાજમાં રેકોર્ડ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે, પૂજ્ય પિતાજીની લેખનીથી હું સ્વયંને દૂર કરી શકતો નથી. તેમની ગંભીર વાતોને મારા અવાજમાં સાંભળશો.
અમિતાભે ટ્વીટર પર એક તસવીર પણ શેર કરી છે. જેમાં હરિવંશરાય બચ્ચનનું એક પુસ્તક અને માઇક હાથમાં જોવા મળી રહ્યા છે. જ્યારે તેમણે હેડફોન પણ પહેરેલો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, અમિતાભજી કવિતાઓના રેકોર્ડિંગની તૈયારી કરી રહ્યા છે.
જોકે, અત્યારે આ પ્રોજેક્ટને ખાનગી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બચ્ચને ઘણીવાર પિતાની મધુશાલાનું પઠન કર્યું છે. એટલું જ નહીં પોલેન્ડના વ્રોકલા શહેરને યુનેસ્કોએ લિટરેચરનું શહેર કહ્યું હતું. આ શહેરની એક યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને મધુશાલાનું પઠન કરતા જોઇને અમિતાભ લાગણીશીલ બની ગયા હતા.