તેલંગણાના હૈદરાબાદમાં રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સુરક્ષામાં ચૂક થઈ હતી. તેલંગણા ટુરિઝમ હોટેલ ખાતે અમિત શાહનો કાફલો જઈ રહ્યો ત્યારે ત્યારે ટીઆરએસના એક નેતાએ વચ્ચે પોતાની કાર ઊભી રાખીને અવરોધ ઊભો કર્યો હતો અને તેનાથી અમિત શાહના કાફલાએ થોડા સમય માટે અટકી જવું પડ્યું હતું. ગૃહપ્રધાન હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણીમાં હાજરી આપવા જઈ રહ્યાં ત્યારે ત્યારે આ ઘટના બની હતી.
ટીઆરએસના નેતાની કાર હોવાના રીપોર્ટ બહાર આવ્યા બાદ ભાજપના સાંસદ કે લક્ષ્મણ આ ઘટનાની તપાસ કરવાની માગણી કરી હતી. જોકે પોલીસે જણાવ્યું હતું કે કારચાલક આ સ્થળે યોગ્ય રીતે કાર ચલાવી શક્યો ન હોવાથી આ ઘટના બની હતી.
હૈદરાબાદ મુક્તિ દિવસ’ પર આયોજીત સમારોહમાં અમિત શાહે જણાવ્યું હતું કે આ દિવસ મનાવવાનો નિર્ણય કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા ઈચ્છું છું. અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો હૈદરાબાદને મુક્ત કરાવવામાં હજુ વધુ વર્ષો લાગ્યા હોત. સરદાર પટેલ જાણતા હતા કે જ્યાં સુધી નિઝામના સૈન્યને હરાવવામાં નહીં આવે, ત્યાં સુધી અખંડ ભારતનું સપનું સાકાર થશે નહીં. અમિત શાહે હૈદરાબાદની મુક્તિનો શ્રેય દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો હતો. અહીંયા નોંધવું રહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને ભાજપ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટકરાવ ચાલી રહ્યો છે.