ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા માટે ભાજપના કાર્યકરોને હાકલ કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી મહિને પ્રથમ સપ્તાહમાં જાહેર થાય તેવી શકત્યતા છે ત્યારે વડાપ્રધાન મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાતની મુલાકાતે આવીને ભાજપની વ્યૂહરચના તૈયાર કરી રહ્યાં છે.
અમિત શાહે વિધાનસભાની ચૂંટણીમાં 25 ટકા વર્તમાન ધારાસભ્યોને ટિકિટ કપાશે તેવો પણ સંકેત આપ્યો હતો. સ્વ. માધવસિંહ સોલંકીના ૧૪૯ બેઠકો જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વથી માંડીને બૂથ કમિટી સુધીના કાર્યકરોની મથામણ ચાલી રહી છે. મધ્ય ગુજરાતના આઠ જિલ્લાના મુખ્ય કાર્યકર્તા સાથે ચૂંટણી વ્યૂહરચના અંગે માર્ગદર્શન, ચર્ચા માટે વડોદરા પહોંચેલા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય સહકારિતાપ્રધાન અમિત શાહે ઉમેદવારોની પસંદગી સંદર્ભે કેટલાક સંકેતો આપ્યા હતા.
શનિવારે વલસાડમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના કાર્યકર્તા, સહકારી આગેવાનો સાથે બેઠકો યોજ્યા પછી રવિવારે મધ્ય ગુજરાતના કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. આ બેઠકોમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ઉપપ્રમુખ ગોરધનભાઇ હાજર રહ્યા હતા.
વડોદરાના હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી ખાતે બંધ બારણે યોજાયેલી બેઠકમાં મુખ્ય કાર્યકરોને અમિત શાહે સંકેત આપ્યો હતો કે, આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં જીત એ જ મુખ્ય ક્રાઇટેરિયા રહેશે, અગાઉ કોંગ્રેસના રાજમાં સ્વ.માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોના લક્ષ્યાંકને પાર કરી વિક્રમી જીતથી ૨૦૨૪ લોકસભાની જીતનો પાયો ગુજરાતથી નાખવાનો છે.