કાશ્મીરના બારામુલ્લામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 5 ઓક્ટોબરે જનસભામાં સંબોધન કરી રહ્યાં હતા ત્યારે નજીકની મસ્જિદમાં અઝાન ચાલુ થઈ હતી. તેથી ગૃહપ્રધાનને અઝાન પૂરી થાય ત્યાં સુધી પોતાનું સંબોધન અટકાવી દીધું હતું. બીજા ધર્મની પ્રાર્થનાનું પણ સન્માન કરવાની અમિત શાહની આ પહેલને લોકોએ પણ ખુશ થઈને વધાવી લીધી હતી. પ્રવચનના પાંચ મિનિટ પછી ગૃહપ્રધાન અટકી ગયા હતા અને મંચ પરના લોકોને પૂછ્યું હતું કે મસ્જિદમાં શું ચાલી રહ્યું છે. મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે અઝાન ચાલુ થઈ છે, તેથી થોડા સમય માટે અમિત શાહે પોતાનું પ્રવચન અટકાવી દીધું હતું. આ પછી લોકોએ તાળીઓ પાડીને અમિત શાહને સમર્થનમાં નારા પોકાર્યા હતા.
અમિત શાહે જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં 22 લાખ પર્યટકો આવ્યા છે. અગાઉનો આંકડો પાંચથી છ લાખ હતો.અગાઉ ત્રાસવાદનું હોટસ્પોટ હતું હવે ટુરિસ્ટ હોટ સ્પોટ બન્યું છે. ગુપકાર મોડલ પાકિસ્તાની ત્રાસવાદીઓ લાવે છે, મોદી મોડલ રૂ.56,000 કરોડનું રોકાણ અને પાંચ લાખ નોકરી લાવે છે. ગુપકાર મોડલમાં યુવાનોને પથ્થરો, મશીન ગન મળે છે, જ્યારે મોદી મોડલ IIT, AIIMS, NIFT, NEET મળે છે. તમારા વિસ્તારમાં કોઇ ત્રાસવાદીઓને સમર્થન કરતું હોય તો તેમને સમજવો કે કાશ્મીરના ત્રાસવાદથી લાભ મળશે નહીં.