ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની ત્યારે મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાને અમિત શાહે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ પહોંચી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી. શાહે લગભગ અઢી કલાક સુધી કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠક યોજી હતી. આ સિવાય કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર પ્રધાન મનસુખ માંડવીયા, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ખજાનચી સુરેન્દ્ર કાકા સાથે પણ શાહે કેટલીક મહત્વની ચર્ચા કરી હતી.
દિવાળી સુધીમાં કેટલાક મહત્વના આયોજનો કરવા, ગૌરવયાત્રામાં નવા પાસા ઉમેરવા, પ્રચારના મુદ્દા, વિરોધ પક્ષોની રાજકીય ગતિવિધિની પણ ચર્ચા તેમણે કરી હતી. અહીં નોંધવુ જરૂરી છે કે, ગુજરાતમાં આ વખતે વિક્રમી બેઠકો જીતવાના સંકલ્પ સાથે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે એ સંજોગોમાં ઉમેદવારોની પસંદગીનો સમગ્ર મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના શીરે રહેશે, એવુ પ્રમુખ પાટીલે જાહેર કરી દીધું છે. ચૂંટણીની જાહેરાત સાથે જ નિરીક્ષકોની યાદી જાહેર કરી દેવાશે અને નિરીક્ષકો સમક્ષ સૌ દાવેદારો, શુભેચ્છકો રજૂઆત કરી શકશે. આ નિરીક્ષકો સમક્ષ આવેલી રજૂઆતો, દાવા, બાયોડેટા સીધા દિલ્હી મોકલી અપાશે અને ત્યાંથી જ ઉમેદવારો આખરી થશે.