વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટોચના ચાર પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન અને એસ જયશંકરે તેમના સંબંધિત અનુક્રમે ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ બાબતોના મંત્રાલયો જાળવી રાખ્યાં છે. મોદી સરકારે ત્રીજા કાર્યકાળના સોમવારે શપથ લીધા પછી મંગળવારે સાંજે ખાતાઓની ફાળવણી કરાઈ હતી. આમ ટોચના ચારેય મંત્રાલયે ભાજપે પોતાની પાસે જાળવી રાખ્યાં છે.

કેન્દ્રીય કેબિનેટમાં નવા ચહેરામાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરને પાવર પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે.

નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન તરીકે ચાલુ રહેશે, જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન તેમનો શિક્ષણ  પોર્ટફોલિયો જાળવી રાખશે. કિરેન રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાંથી સંસદીય બાબતોના મંત્રાલયમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અર્જુન રામ મેઘવાલ કાયદા પ્રધાન તરીકે ચાલુ રાખવામાં આવ્યાં છે. સર્બાનંદ સોનોવાલે શિપિંગ પોર્ટફોલિયો જાળવી રાખ્યો છે. અશ્વિની વૈષ્ણવને ફરી રેલ્વે પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. પીયૂષ ગોયલને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રધાન બનાવવામાં આવ્યાં છે, જ્યારે ભૂપેન્દ્ર યાદવને ફરી પર્યાવરણ પ્રધાન બનાવવામાં આવ્યાં છે.

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને જલ શક્તિ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. પાટિલની સાથે, વી. સોમન્ના અને રાજ ભૂષણ ચૌધરીને જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મોદી અને 71 પ્રધાનોએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં.

મોદી સરકારને ટેકો આપતા સાથી પક્ષ ટીડીપીના નેતા કે રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાસને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય આપવામાં આવ્યું છે.  સરકારને ટેકો આપતા આરએલડીના વડા જયંત ચૌધરીને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યા છે. તેમણે શિક્ષણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ બનાવવામાં આવ્યાં છે.

2021માં કોરોના મહામારી દરમિયાન આરોગ્ય પ્રધાન તરીકે સેવા આપનારા ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં અનુરાગ ઠાકુરની જગ્યાએ ભારતના નવા રમત પ્રધાન તરીકે નિયુક્ત કરાય છે. 52 વર્ષીય માંડવિયાએ ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી તેમના નજીકના કોંગ્રેસના હરીફ લલિત વસોયાને 3.83 લાખ મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સિવાય માંડવિયાને રસાયણ અને ખાતર મંત્રાલયનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY