ભારતમાં કોરોના મહામારી નિરંકુશ બની છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં લોકડાઉન લગાવવામાં ઉતાવળ કરવામાં નહીં આવે અને અત્યારે એવી સ્થિતિ પણ નથી.
એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિત શાહે જણાવ્યું હતું કે ગયા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉનનો ઉદ્દેશ અલગ હતો. તે વખતે દેશમાં કોરોના સામે લડવા માટેની સુવિધાઓ ઉભી કરવા માટે સમયની જરુર હતી. ગયા વર્ષે આપણે આવી મહામારી માટે તૈયાર નહોતા.
તેમણે જણાવ્યું હતું કે તે વખતે આપણી પાસે કોઈ દવા કે રસી પણ ન હતી. હવે સ્થિતિ અલગ છે. ડોક્ટરો કોરોનાને સમજી ચુક્યા છે. આમ છતા અમે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. આ મુદ્દે જે પણ સંમતિ સધાશે તેને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય કરશે. હાલમાં તો જે પ્રકારે સ્થિતિ છે તે જોતા લોકડાઉન લાગુ કરવુ પડે તેમ લાગતુ નથી.