અમદાવાદ ખાતે નવા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના રાષ્ટ્રપતિના હસ્તે 24 ફેબ્રુઆરીએ ઉદ્ઘઘાટન બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદમાં તમામ પ્રકારની ગેમ્સની વર્લ્ડ ક્લાસ સુવિધા ઊભી કરાશે અને તેથી અમદાવાદ દેશનું સ્પોર્ટસ સિટી બનશે.
શાહે જણાવ્યું હતું કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વિવિધ રમતો માટે વર્લ્ડ કલાસ સુવિધા સાથે આશરે 17 એકર જમીનમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી કોઇપણ રમત માટે એક જ સ્થળે સંપૂર્ણ સુવિધા ઓફર કરશે. આ તમામ સુવિધા સાથે અમદાવાદ કોઇપણ આંતરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે છ મહિનામાં તૈયાર થવાની સ્થિતિમાં હશે.
તેમણે જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં રમાતી તમામ ગેમ્સ માટે આ સ્પોર્ટ્સ એન્ક્લેવ ઉપલબ્ધ બનશે. તેમાં ફૂટબોલ, અને હોકી માટે સ્ટેડિયમ અને ઇન્ડોર સ્ટેડિયમ હશે. આવી સુવિધા ભારતના કોઇપણ શહેરમાં નથી. મોદીજીએ ભારતના હેરિટેજ સિટી તરીકે તૈયાર કરેલું અમદાવાદ હવે દેશનું સ્પોર્ટ્સ સિટી બનવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે આ યોજના તૈયાર કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે તમામ સુવિધા એવી રીતે ઊભી કરાશે કે જેથી રિપિટેશન ન થાય અને તે આંતરરાષ્ટ્રીય ક્વોલિટીની હોય. અમદાવાદ શહેર અને ભારત આંતરરાષ્ટ્રીય ગેમ્સ માટે પ્રયાસ કરે ત્યારે તમામ ફેસિલિટી 50 કિમીની અંદર મળી જાય.