નાગરિકતા અંગેનો વિવાદાસ્પદ કાયદો કેન્દ્રના એજન્ડામાં પરત આવ્યો હોવાનો સ્પષ્ટ સંકેત આપતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે નાગરિકતા સુધારો ધારા (સીએએ) એક વાસ્તવિકતા છે અને કોરોના ઓસરી ગયા બાદ તરત તેનો અમલ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં જાહેર સભાને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અફવાઓ ફેલાવી રહ્યાં છે કે નવા નાગરિકતા કાયદાનો અમલ નહીં થાય. હું આજે ઉત્તર બંગાળમાં આવ્યો છું. હું સ્પષ્ટ કરવા માગું છું કે તૃણમૂલ કોંગ્રેસ અફવાઓ ફેલાવી રહી છે. હું કહેવા માગું છું કે કોરોનાની અસર દૂર થયા બાદ તરત સીએએનો અમલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મમતા દીદી, શું તમે ઘૂસણખોરી ચાલુ રાખવા માગો છો. પરંતુ હું તેમને કહેવા માગું છું કે સીએએ એક વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા રહેશે. ટીએમસી આ અંગે કંઇ કરી શકશે નહીં.
અમિત શાહના આ નિવેદનની મમતાએ તાકીદે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ જ તેમની યોજના છે. તેઓ સંસદમાં બિલ કેમ લાવતા નથી. તેઓ 2025માં સત્તા પર આવશે નહીં. નાગરિકોના અધિકારોનો ભંગ થાય તેવું અમે ઇચ્છતા નથી.