કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ફેબ્રુઆરી 2019ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે સીઆરપીએફના જવાનો સાથે એક રાત્રિ ગાળવા માટે તેમની કાશ્મીર યાત્રા લંબાવી હતી.
જૈસે મોહંમદ નામના ત્રાસવાદી સંગઠને કરેલા આ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર આવી ગયા હતા. આ પછી ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશે મોહંમદના કેમ્પ પર એરસ્ટ્રાઇક કરી હતી.
જમ્મુ કાશ્મીરની ચાર દિવસની યાત્રા પર આવેલા શાહે આ હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં બનાવવામાં આવેલા મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગૃહપ્રધાન સોમવારે દિલ્હી પરત આવવાના હતા, પરંતુ તેમણે પુલવામામાં લેથપોરામાં આવેલા CRPF કેમ્પસમાં જવાનો સાથે એક રાત્રી રોકાણ કરવા માટે તેમની કાશ્મીર યાત્રા લંબાવી હતી. આ સ્થળ ધાતકી કાર બોંબ હુમલાના સ્થળથી ઘણુ નજીક છે.
શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે કરવામાં આવેલા આ સર્વોચ્ચ બલિદાનથી ત્રાસવાદના દૂષણને ઉખેડી ફેંકવાના અમારા ઇરાદા વધુ મજબૂત બન્યા છે.
સોમવારને રાત્રે સીઆરપીએફના જવાનોને સંબોધન કરતાં શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર આતંકવાદ સામે ઝીરો ટોલેરન્સ નીતિ ધરાવે છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિમાં ઘણો સુધારો થયો છે, પરંતુ સંપૂર્ણ શાંતિની સ્થાપના ન થાય ત્યાં સુધી અમે સંતોષ માની શકીએ નહીં. હું તમારા લોકો સાથે એક રાત્રી રહેવા માગું છું અને તમારી સમસ્યાઓ સમજવા માગું છું. અમિત શાહે કાશ્મીરની મુલાકાત દરમિયાન સીઆરપીએફના જવાનો સાથેની મુલાકાતને સૌથી વધુ મહત્ત્વની ગણાવી હતી.