ભારતમાં મોટાભાગના ઇતિહાસકારોએ મુગલોના ઇતિહાસને મહત્ત્વ આપ્યું છે તથા પાંડ્ય અને ચોલા જેવા ઘણા સામ્રાજ્યોના ભવ્ય શાસનની અવગણના કરી છે, એમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણે હવે સ્વતંત્ર છીએ, તેથી કોઇ પણ આપણને ઇતિહાસ લખતા રોકી શકે નહીં.
‘મહારાજા: સહસ્ત્રવર્ષ કા ધર્મયુદ્ધ’ પુસ્તકનું અનાવરણ કરતાં ભારતના ભૂતકાળની ભવ્યતાને ફરી બેઠી કરવાનો ઇતિહાસકારોને અનુરોધ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે સરકારો કે બીજા પુસ્તકોને આધારે નહીં, પરંતુ વાસ્તવિક ઘટનાઓને આધારે હવે ઇતિહાસ લખવામાં આવે છે. ભારતના ઘણા રાજાઓ આક્રમણખોરો સામે લડ્યા હતા અને તેમને પરાજય આપીને પોતાના રાજ્યોનું રક્ષણ કર્યું હતું, પરંતુ કમસનીબે અત્યાર સુધી ઇતિહાસમાં આ બહાદૂરીની કથાનું નિરુપણ થયું નથી. 1,000 વર્ષોથી સંસ્કૃતિ, ભાષા અને ધર્મની રક્ષા માટે લડવામાં આવેલા યુદ્ધ નિરર્થક રહ્યાં નથી, કારણ કે ભારત ફરી એકવાર આજે વિશ્વ સમક્ષ સન્માનની દ્રષ્ટીએ ઊભો છે અને દેશની ભવ્યતાને માન્યતા મળી છે.
ગૃહપ્રધાને જણાવ્યું હતું કે હું ઇતિહાસકારોને કહેવા માગું છું. આપણા દેશમાં ઘણા સામ્રાજ્યો છે, પરંતુ ઇતિહાસકારોએ માત્ર મુગલો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને મોટાભાગે તેમના ગુણગાન ગાયા છે. પાંડ્યા સામ્રાજ્યે 800 વર્ષ રાજ કર્યું હતું. અહોમે આસામમાં 650 વર્ષ શાસન કર્યું હતું. તેમણે બખ્તિયાર ખીલજી, ઓરંગઝેબને પણ હરાવ્યા હતા અને આસામને અખંડ રાખ્યું હતું. પલ્લવ સામ્રાજ્યે 600 વર્ષ રાજ કર્યું હતું. ચોલા વંશે 600 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના રાજાઓએ 550 વર્ષ સુધી અફઘાનિસ્તાનથી લંકા સુધી સમગ્ર દેશમાં રાજ કર્યું હતું. સત્વાહન રાજાઓ 500 વર્ષ સુધી રાજ કરી શક્યા હતા. ગુપ્તા વંશે 500 વર્ષ શાસન કર્યું હતું તથા ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે પ્રથમ વાર સંયુક્ત ભારતનું સપનું જોયું હતું અને સમગ્ર દેશમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. પરંતુ આવા મહાન રાજાઓ અંગે પુસ્તકમાં કોઇ ઉલ્લેખ નથી.