કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના ભૂતપૂર્વ પ્રમુખ અને આંકલાવ મત વિસ્તારના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. ખડગેએ અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને પણ ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કર્યા છે
AICCના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે સોમવારે GPCC ચીફ જગદીશ ઠાકોરને એક પત્રમાં આ નિમણૂંકોની જાણકારી આપી હતી. અમિત ચાવડા કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે. કોંગ્રેસમાં અદરોઅંદર નામની ઘણી ચર્ચા બાદ આખરે અમિત ચાવડાને પસંદ કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 17 બેઠકો જીતી હતી. તે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવા માટે જરૂરી 10 ટકા બેઠકો કરતાં એક બેઠક ઓછી છે. ભાજપે 156 બેઠકો જીતી અને પાંચ આમ આદમી પાર્ટી (AAP)ને મળી હતી.અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. અમિત ચાવડાના ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે.