વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અનેક સંઘર્ષો અને યુદ્ધોમાં ઘેરાયેલા અસ્થિર વિશ્વમાં ભારતમાં મજબૂત અને સ્થિર સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં બીજેપીના ચૂંટણી ઢંઢેરો જારી કરવાના કાર્યક્રમમાં મોદીએ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનું વચન પણ આપ્યું હતું.
ટણીઓ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે, “વૈશ્વિક તણાવ અને યુદ્ધોના પગલે વિશ્વ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે, ત્યારે વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આવા મુશ્કેલ સમયમાં ભારતમાં મજબૂત, સ્થિર અને બહુમતીવાળી સરકારની જરૂરિયાત અનેકગણી વધી જાય છે.”
આ પ્રસંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે “વિદેશી નીતિના મોરચે અમે ઇન્ડિયા ફર્સ્ટ વિદેશ નીતિને અનુસરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરીએ છીએ.
મોદીએ તેમના ભાષણમાં મોટાભાગે દેશના વિકાસને વેગ આપવા માટેના તેમના વિઝન પર ભાર મૂકીને જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો યુવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. તે જીવનની ગુણવત્તા અને ગૌરવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને યુવા વસ્તી માટે સંખ્યાત્મ અને ગુણાત્મક રીતે ઉચ્ચ તકોનું સર્જન કરે છે. તેમણે નોંધ્યું હતું કે સંઘર્ષો વચ્ચે વિશ્વ અનિશ્ચિતતાઓથી ઘેરાયેલું છે અને આવી સ્થિતિમાં રહેતા ભારતીયોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. આવા સમયે સંપૂર્ણ બહુમતી ધરાવતી મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે.