ચીન સાથે સરહદ પર તંગદિલીમાં વધારો થયો છે ત્યારે સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતાઓને મજબૂત બનાવવા રૂ.84,328 કરોડના શસ્રોની ખરીદીની દરખાસ્તોને મંજૂરી આપી છે. આર્મી માટે હવે લાઇટ ટેન્ક, એન્ટિ-શિપ મિસાઇલ અને લાંબા અંતરના ગાઇડેડ બોમ્બ સહિત સંખ્યાબંધ સૈન્ય પ્લેટફોર્મ અને હથિયારોની ખરીદી કરાશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ દરખાસ્તોને મંજૂરી આપી હતી. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સે ખાતે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણમાં પછી ભારત જંગી પ્રમાણમાં શસ્ત્રોની ખરીદી કરી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે લાઇટ ટેન્ક અને માઉન્ટેડ ગન સિસ્ટમ ચીન સાથેની સરહદના ઊંચાઈ વાળા વિસ્તારોમાં તૈનાત કરાશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે DACએ કુલ 24 દરખાસ્તોને મંજૂરી આપી છે. તેમાં ભારતીય સેના માટે છ, ભારતીય વાયુસેના માટે છ, ભારતીય નૌકાદળ માટે 10 અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે બે દરખાસ્તનો સમાવેશ થાય છે.
ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ, લાઇટ ટેન્ક, નેવલ એન્ટી શિપ મિસાઇલ, બહુહેતુક જહાજો, મિસાઇલ સિસ્ટમ્સની નવી શ્રેણી, લોંગ રેન્જ ગાઉડેડ બોમ્બ અને નેક્સ્ટ જનરેશન દરિયાઇ પેટ્રોલ વેસલ્સ સહિતના શસ્ત્રોની ખરીદી કરાશે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વદેશી સ્ત્રોતોમાંથી રૂ.82,127 કરોડના શસ્ત્રો ખરીદવામાં આવશે. DACની આ અભૂતપૂર્વ પહેલ સશસ્ત્ર દળોને આધુનિક બનશે. તેનાથી ‘આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને હાંસલ કરવામાં પણ મદદ કરશે.
આર્મી માટે ખરીદીમાં ભાવિ પાયદળ લડાયક વાહનો, લાઇટ ટેન્ક અને માઉન્ટેડ ગન સિસ્ટમનો સમાવેશ થાય છે. તેનાથી આર્મીના તૈયારીને મોટો વેગ મળશે. સૈનિકો માટે બેલિસ્ટિક હેલ્મેટની ખરીદી પણ કરશે.