વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજપૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રૂપાલાની સાથે ભાજપના રાજ્યસભાના સભ્ય અને વાંકાનેરના પૂર્વ રાજવી કેસરીદેવસિંહ ઝાલા સહિતના અનેક આગેવાનો હતાં.
પરષોત્તમ રૂપાલાએ મંગળવારે રાજકોટ લોકસભા બેઠક માટે ભગવા પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરતા પહેલા “દેશના હિતમાં” ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને એક વધુ અપીલ કરી હતી.
હવે રાજકોટ બેઠક પર રુપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે ટક્કર થશે. રુપાલા ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી અને ભૂતપૂર્વ પ્રધાન વજુભાઈ વાળા સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતાં. તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવીને તેમનો વિરોધ કર્યો હતો.
ક્ષત્રિયોએ રુપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માટે ભાજપને 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટ આપ્યું હતું, પરંતુ રુપાલાએ ફોર્મ ભરી દીધા પછી હવે ક્ષત્રિયોની માગ સમક્ષ ભાજપ ઝૂકે તેવી કોઈ શક્યતા લાગતી નથી.