યુરોપિયન યુનિયનમાં હંમેશા વિઝા ફ્રી મુસાફરી કરતાં અમેરિકનો અને બ્રિટિશરોએ આગામી વર્ષથી યુરોપની યાત્રા માટે ટ્રાવેલ ઓથોરાઇઝેશન લેવું પડશે. યુરોપિયન યુનિયન આગામી વર્ષથી યુરોપિયન ટ્રાવેલ ઇન્ફોર્મેશન એન્ડ ઓથોરાઇઝેશન સિસ્ટમ (ETIAS)નો અમલ કરશે. તેનાથી અમેરિકા અને બ્રિટન સહિતના વિઝા ફ્રી દેશોના તમામ પ્રવાસીઓએ તેમના પ્રસ્થાન પહેલાં ટ્રાવેલ ઓથોરાઇઝેશન લેવાનું રહેશે.
ETIAS એ માત્ર પરંપરાત વિઝા નથી. તેમાં ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ સામેલ છે અને તેની અપ્રુવલ પણ મેઇલમાં મળેલી હોવી જોઇએ. યુરોપના પ્રવાસીઓએ સુરક્ષાના સવાલો ઉપરાંત બાયોગ્રાફિકલ ઇન્ફર્મેશન, ટ્રાવેલ પ્લાન, ટ્રાવેલ હિસ્ટરી સહિતની માહિતીનું એક ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. મોટાભાગના અરજદારોને એક કલાકની અંદર મંજૂરી મળી જશે, પરંતુ કેટલાકને તેમની અરજીમાં વધુ તપાસ જરૂર હશે તો ચાર દિવસ સુધી રાહ જોવી પડી શકે છે.
અમેરિકાના અરજદારોએ $8 ચૂકવવા પડશે, જે તમામ ઉંમરના પ્રવાસીઓને લાગુ પડે છે. યુકેએ મુસાફરોએ 6 પાઉન્ડ ચુકવવા પડશે. એપ્રુવલ મળ્યા પછી આ ટ્રાવેલ ઓથોરાઇઝેશન ત્રણ વર્ષ માટે અથવા ટ્રાવેલનો પાસપોર્ટ એક્સપાયર થાય ત્યાં સુધી માન્ય રહેશે.
નવો નિયમ તમામ ETIAS સભ્ય દેશો માટે ફરજિયાત હશે. આ દેશોને ચાર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેમાં સ્પેન, ફ્રાન્સ અને ઇટાલી જેવા સંપૂર્ણ શેન્જેન સભ્ય દેશો, આઇસલેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) દેશો, બલ્ગેરિયા અને સાયપ્રસ ભાવિ શેન્જેન દેશો તથા એન્ડોરા અને મોનાકો જેવા યુરોપિયન માઇક્રો દેશોનો સમાવેશ થાય છે.
જોકે યુરોપની મુસાફરી કરતાં અમેરિકાના ટ્રાવેલર્સ માટે રાહત બાબત એ છે કે ટુરિસ્ટ તરીકે યુરોપમાં ગાળવાના સમયગાળામાં કોઇ ફેરફાર થયો નથી. હાલના નિયમો મુજબ અમેરિકાના પાસપોર્ટ ધરાવતા વ્યક્તિ 180 દિવસના પીરિડયમાં 90 દિવસ સુધી યુરોપમાં રહી શકે છે. 90 દિવસથી વધુની ટ્રિપ માટે સ્પેશ્યલ વિઝાની જરૂર પડે છે. આ નિયમમાં કોઇ બદલાવ થયો નથી. અહીં ઉલ્લેખનીય છે કે 2023ના હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ અમેરિકાના નાગરિકોને વિશ્વના 184 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.
ETIASના અમલનો ઉદ્દેશ્ય સુરક્ષાના પગલાંમાં વધારો કરવાનો છે. પ્રવાસીઓના આગમન પહેલાં તેમના વિશે આવશ્યક માહિતી એકત્રિત કરીને, યુરોપિયન સત્તાવાળાઓ સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરી શકે છે તથા પ્રવાસીઓ અને EU નિવાસીઓ બંનેની સલામતીની ખાતરી કરી શકે છે.
ETIAS પરમિટ 60 વિઝા-ફ્રી દેશોના 1.4 બિલિયન લોકો માટે ઉપલબ્ધ છે અને યુકેના નાગરિકોને 180-દિવસના સમયગાળામાં 90 દિવસ સુધી યુરોપમાં રહેવાનો અધિકાર આપે છે. તે ત્રણ વર્ષ માટે માન્ય છે જે દરમિયાન તમે ઘણી વખત યુરોપ પરત ફરી શકો છો.
ETIASના નવા નિયમ અંગે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જાગી હતી. યુરોપની વારંવાર મુસાફરી કરતાં એલેક્ઝા મૂરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ETIASની અંગેની ચર્ચાથી હું થોડો નર્વસ થયો હતો, પરંતુ કેટલાક સંશોધન કર્યા પછી આ પ્રારંભિક આંચકો ચોક્કસપણે શમી ગયો છે. અમારા માટે યુરોપની મુસાફરી કરવી હજુ પણ સરળ છે. તે ફક્ત એક વધુ પગલું છે જેના વિશે સફર પહેલાં વિચારવું પડશે.