અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીની કેરી લો સ્કૂલના મહિલા પ્રોફેસર એમી વેક્સે બિનપશ્ચિમીઓ અંગે અપમાનજનક ટીપ્પણી ઉપરાંત ભારતને ‘ઉકરડો’ કહેતાં ભારતીય અમેરિકનો રોષે ભરાયા છે. કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ સહિત અનેક સામુદાયિક અગ્રણીઓએ વેક્સની ઝાટકણી કાઢી હતી. યુનિવર્સિટીએ પણ વેક્સના ઉચ્ચારણો તેમની નીતિનું પ્રતિબિંબ નહીં હોવાનું જણાવી તેની સાથે યુનિવર્સિટીને કોઈ નિસ્બત નહીં હોવાનું જણાવ્યું હતું. ઈમિગ્રન્ટ્સ વિષે અપમાનજનક અને ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ કરવા માટે કુખ્યાત એમી એક ન્યૂરોલોજિસ્ટ પણ છે. 69 વર્ષના એમીએ એક ટીવી મુલાકાતમાં અશ્વેતો અને બિનપશ્ચિમી સમુદાયના લોકો ઉપર પશ્ચિમી સમુદાયની સિદ્ધિ અને યોગદાન પરત્વે અસંતોષ અને શરમ અનુભવતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
એમીએ જણાવ્યું હતું કે આ લોકોને એમ જ શીખવાય છે કે તેઓ સમૃદ્ધ બ્રાહ્મણ છે અને તેઓ બીજા બધા કરતાં ચડિયાતા છે. તેમનો દેશ (ભારત) ‘ઉકરડો’ છે. વગદાર ભારતીય અમેરિકન ડોક્ટર સમુદાયને ટાર્ગેટ કરતાં એમીએ જણાવ્યું હતું કે, પશ્ચિમી લોકોએ દરેક રીતે એશિયનોને પાછા પાડતાં હવે તે લોકો ગુસ્સે ભરાઇને ઇર્ષાભાવ દર્શાવે છે. ભારતીયોએ તો અમેરિકાના આભારી રહેવું જોઇએ.
કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે ભારતીય અમેરિકનો અને તમામ અશ્વેત અમેરિકનોના આવા અપમાનજનક વર્ગીકરણની મહિલા પ્રોફેસરની રીતભાત નિંદનીય છે. આવી ટીપ્પણી ધિક્કાર અને ભયમાંથી જન્મેલી તથા ઇમિગ્રેશન સુધારા સહજ અને સરળ બનાવવાનું મુશ્કેલ બનાવે છે. કૃષ્ણમૂર્તિએ ઉમેર્યું હતું કે આવી ટીપ્પણીઓના પગલે લઘુમતિઓ સામે હેટ ક્રાઇમના ગુના વધે છે. ટ્રમ્પની વિદાય પછી ભારતને ‘ઉકરડો’ કહેવાના દિવસો પૂરા થયા છે.
દરમિયાન, ભારતીય અમેરિકન લો પ્રોફેસર નીલ માખીજાએ પણ એમી વેક્સની ટીકા કરતાં જણાવ્યું હતું કે આવી વંશીય ટિપ્પણીને વેગ આપવા પોતાના હોદ્દાનો દુરુપયોગ નીંદનીય છે. એમીના આવા બેફામ ઉચ્ચારણો સામે ભારતમાં લોકોએ ઉગ્ર પ્રતિભાવો આપ્યા છે, તો અમેરિકામાં કેટલાક લોકોએ એવી ટકોર પણ કરી હતી કે, એમી જાહેરમાં સહજ રીતે આવા ઝેરી ઉચ્ચારણો કરી શકતા હોય તો તેમના અશ્વેત અને એશિયન વિદ્યાર્થીઓની સાથે તો તે કેવું વર્તન કરતા હશે તેની કલ્પના જ કરવી રહી.
વેક્સના ઈન્ટરવ્યૂનો આ વિવાદાસ્પદ હિસ્સો તુરત જ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો અને ટ્વીટર ઉપર એક મિલિયનથી વધુ લોકોએ તે જોયો હતો. મોટા ભાગના લોકો રોષે ભરાયા હતા, છતાં તેમનું કહેવું એવું પણ હતું કે વેક્સ તરફથી તેમને આ સિવાય બીજી કોઈ અપેક્ષા નહોતી. તે આવા બેફામ ઉચ્ચારણો માટે કુખ્યાત છે.