અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને 5 જૂનના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ને લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માનવ ઇતિહાસની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા બદલ ભારતના લોકોની પ્રશંસા કરી હતી.
આ અંગે વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટેલિફોનિક વાતચીત દરમિયાન, પ્રેસિડેન્ટ બાઇડેન અને વડાપ્રધાન મોદીએ અમેરિકા-ભારત વચ્ચે વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે મુક્ત, જાહેર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેમની સહિયારી દીર્ઘદૃષ્ટિ આગળ વધારવા માટે ચર્ચા કરી હતી. બંને મહાનુભાવોએ વિશ્વસનીય વ્યૂહાત્મક ટેક્નોલોજી ભાગીદારી સહિતની પરસ્પરની પ્રાથમિકતાઓ પર નવી સરકાર સાથે જોડાવા માટે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જેક સુલિવાનના નવી દિલ્હીના આગામી પ્રવાસ અંગે ચર્ચા કરી હતી.
આ અંગે નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, “મારા મિત્ર પ્રેસિડેન્ટ બાઇડેન તરફથી આવેલા ફોન કોલથી આનંદ થયો. તેમના અભિનંદનના ઉષ્માભર્યા શબ્દો અને ભારતીય લોકતંત્ર માટે તેમની પ્રશંસા અમૂલ્ય છે. ભારત અને અમેરિકા આગામી વર્ષોમાં વ્યાપક વૈશ્વિક ભાગીદારીના ઘણા નવા સીમાચિહ્નો પાર કરવા તૈયાર છે. આપણી ભાગીદારી માનવતાના વૈશ્વિક કલ્યાણ માટે શક્તિ સમાન બની રહેશે.” અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને પણ તેમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.