અમેરિકામાં પ્રતિનિધિગૃહે એક વર્ષ પહેલા ફરજ દરમિયાન ગોળીબારથી માર્યા ગયેલા શહીદ ઇન્ડિયન અમેરિકન પોલિસ ઓફિસર સંદીપ સિંઘ ઢાલીવાલનું નામ હ્યુસ્ટનની પોસ્ટ ઓફિસ સાથે જોડી તેનું બહુમાન કરવાના ખરડાને સર્વસંમતીથી બહાલી આપી છે.
ડેપ્યુટી સંદીપ સિંઘ ઢાલીવાલ પોસ્ટ ઓફિસ એક્ટ સોમવારે ટેક્સાસના સમગ્ર ડેલિગેશને કો-સ્પોન્સર કર્યો હતો. કોંગ્રેસવુમેન લીઝી ફ્લેચરે જણાવ્યું હતું કે “ડેપ્યુટી (શેરીફ) ઢાલીવાલે આપણા સમુદાયની શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે સમગ્ર જીવનમાં બીજાની સેવા મારફત સમાનતા, જોડાણ અને સમુદાય માટે કામ કર્યું હતું.”
ટેક્સાસ પોલિસના પ્રથમ શિખ અધિકારી 42 વર્ષના ઢાલીવાલની 27 સપ્ટેમ્બર 2019ના રોજ ફરજ દરમિયાન હત્યા થઈ હતી. ઓક્ટોબર 2019માં ફ્લેચરે ઢાલીવાલનું સન્માન કરવાનો ખરડો રજૂ કરવા હ્યુસ્ટન ડેલિગેશનની આગેવાની લીધી હતી.
સોમવારે ગૃહમાં ફ્લેચરે જણાવ્યું હતું કે ડેપ્યુટી ઢાલીવાલ પોતાના સમુદાયની સેવા કરવા માગતા તમામ ધર્મના અમેરિકન લોકો માટે રોડ મોડલ છે. તેઓ હેરિસ કંટ્રી શેરીફની ઓફિસમાં સેવા આપનારા પ્રથમ ઓબ્ઝર્વન્ટ શીખ હતા. પોલિસ ઓફિસર તરીકેની સેવા દરમિયાન પોતાના ધર્મના નિયમોનું પાલન કરવાની પોલિસ સુવિધા મેળવનારા તેઓ ટેક્સાસના પ્રથમ ઓફિસરોમાં પણ સ્થાન ધરાવે છે.
ફ્લેચરે જણાવ્યું હતું કે ડેપ્યુટી સંદીપ સિંઘ ઢાલીવાલ પોસ્ટ ઓફિસ તેમના સેવાકાર્ય અને બલિદાનની કાયમ યાદ અપાવશે. પ્રતિનિધિગૃહે તેમની યાદમાં મારા ખરડાને મંજૂરી આપી છે તેનાથી હું આનંદ અનુભવું છું અને તે ખરડો હવે કાયદો બનવા તરફ આગળ વધ્યો છે. આ ખરડો કાયદો બનશે તો ઇન્ડિયન અમેરિકનના નામના આધારે પોસ્ટ ઓફિસનું નામ આપવામાં આવ્યું હોય તેવી બીજી પોસ્ટ ઓફિસ હશે.
અગાઉ 2006માં સધર્ન કેલિફોર્નિયામાં પ્રથમ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન દલીપ સિંઘ સૌંદના નામના આધારે પોસ્ટ ઓફિસનું નામ આપવામાં આવ્યું હતું. ડેપ્યુટી સંદીપ સિંઘ ધાલીવાલ પોસ્ટ ઓફિસ એક્ટ માટે સેનેટની મંજૂરી જરૂરી છે. આ પછી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર સાથે તે કાયદો બનશે.
ઢાલીવાલની પત્ની હરવિન્દર કૌરે આ ખરડાને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસના આ નામકરણથી તેમના સેવાકાર્ય અને સમર્પણનું સન્માન થશે. હું ખુશ છું કે આ બિલને ગૃહમાં બહાલી મળી છે.
સંદીપ સિંઘના પિતા પ્યારા સિંઘ ઢાલીવાલે જણાવ્યું હતું કે મારા પુત્રે સન્માન, ગૌરવ અને કાળજી સાથે પોતાની ફરજ બજાવી છે અને સેવામાં ભાગ લીધો છે. તે વિવિધતા અને એકતામાંથી મળતી શક્તિનું પ્રતિક હતા. આ પોસ્ટઓફિસ હંમેશા યાદ અપાવશે છે કે તે હ્યુસ્ટનમાં આપણા પરિવાર અને લોકોને કેટલું સન્માન આપતા હતા. અમે આ પ્રયાસો માટે આભારી છીએ.
પોલિસી એન્ડ એડવોકેસીના શીખ કોએલિએશન સિનિયર મેનેજર સિમ જે સિંઘે જણાવ્યું હતું કે ઢાલીવાલના સન્માનમાં ફેડરલ બિલ્ડિંગનું નામ આપીને તેમના વારસાને માન્યતા ઐતિહાસિક છે. 2015માં ઢાલીવાલ ટેક્સાસમાં એવા પ્રથમ શીખ અમેરિકન હતા કે જેમને ફરજ દરમિયાન પાઘડી પહેરવાની અને દાઢી રાખવાની છૂટ આપવામાં આવી હતી. હેરિસ કંટ્રી શેરીફની ઓફિસમાં કામ કરનારા તેઓ પ્રથમ શીખ પોલિસ ઓફિસર હતા.