અમેરિકાના અલાબામામાં સલ્લી વાવાઝોડું ત્રાટકતા ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને આ વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે. અલાબામાના મેયર ટોની કેનને જણાવ્યું હતું કે, એક વ્યક્તિ લાપતા છે અને ઓરેંજ બીચ પર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોલીસના જણાવ્યા મુજબ વાવાઝોડાને કારણે ઘણા ઘરોની છત ઉડી ગઇ હતી અને 5,40,000થી વધુ ઘરો અને ઓફિસમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાને કારણે ગલ્ફ સ્ટેટ પાર્કમાં માછલી પકડવા માટે બનાવાયેલો એક બ્રિજ તેના ઉદઘાટન પહેલા એ દિવસે જ તૂટી ગયો. 24 લાખ ડોલરના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
આ વાવાઝોડું કેટેગેરી-૨નું ગણાવાયું હતું. વાવાઝોડાને કારણે સમુદ્રમાં જળસ્તર વધી ગયું હતું અને ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ લૂઈસિયાના, મિસિસિપીમાં પણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. સલ્લી વાવાઝોડું સવારે ૪.૪૫ કલાકે ત્રાટક્યું હતું. જેથી ૧૬૫ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયાનું નેશનલ હરિકેન સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું છે.
વાવાઝોડું ત્રાટક્યું તે પહેલાથી જ પેન્સાકોલા બીચ, ફલોરિડા, અલાબામામાં વરસાદ શરૂ થયો હતો. બુધવારની વહેલી સવારે અંદાજે દોઢ લાખ ઘર અને દુકાનોમાં પાણી ભરાઇ જવાથી લોકોને બહાર કાઢીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અલાબામા શહેરમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાના પણ આદેશ કરાયા હતા. અમેરિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સલ્લી વાવાઝોડાને કારણે આગામી દિવસોમાં મિસિસિપી, અલાબામા, જ્યોર્જિયા અને કેરોલાઈનામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.ગલ્ફ કોસ્ટના વિસ્તારોમાં રહવાસીઓને દરિયાકાંઠે ન જવાના આદેશ આપવામાં આવ્યા છે.