અમેરિકાના પ્રથમ લેડી મેલેનિયા ટ્રમ્પની લાકડાની મૂર્તિ સ્લોવેનિયામા આવેલા તેમના હોમટાઉન સેવેનિકામા સ્થાપિત કરવામા આવી હતી. 4 જુલાઇ એટલે કે અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર આ મૂર્તિને આગ લગાવવામા આવી. જેની જાણકારી આ મૂર્તિ બનાવનાર મૂર્તિકારે આપી હતી. બર્લિનમા રહેનાર અમેરિકાના કલાકાર બ્રેડ ડાઉનીને જણાવ્યુ કે, પોલીસે તેમને આ ઘટનાની જાણકારી આપી અને કહ્યુ કે મૂર્તિ ત્યાંથી દૂર કરી દેવાઈ છે.
ડાઉનીએ જણાવ્યુ કે, અમે જાણવા ઈચ્છીએ છીએ કે કેટલાક લોકોએ આવુ શા માટે કર્યું. વૉશિંગ્ટનમા મેલેનિયા ટ્રમ્પના કાર્યાલયને આ વિશે પુછવામા આવ્યુ તો તેમણે કોઈ અભિપ્રાય આપ્યો નહીં. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે અમુક સમયથી અમેરિકામા ચાલી રહેલા પ્રદર્શનોમા ઐતિહાસિક સ્મારકોને હાનિ પહોંચાડનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.ડાઉનીએ વધુમા જણાવ્યુ કે, તેમણે આ બાબતે પોલીસ રિપોર્ટ દાખલ કરી છે તેમજ આરોપી પકડાઈ ગયા બાદ તેઓ તેને મળવા ઈચ્છે છે કારણ કે સપ્ટેમ્બરમા આવનારી તેમની ફિલ્મમા તેનો સાક્ષાત્કાર કરાવી શકાય.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે આ મામલે હજુ તપાસ ચાલી રહી છે જેથી આગળની પ્રક્રિયા માટે અમે વધુ જાણકારી આપી શકીએ નહીં. જોકે, આગ લાગવાથી મૂર્તિનો મોઢાનો ભાગ બળી જવાથી મૂર્તિને ઓળખી શકાતી નહોતી. આ મૂર્તિને બ્લુ કલરથી રંગવામા આવી હતી. ટ્રમ્પના શપથ સમારોહમા મેલેનિયાએ જે ડ્રેસ પહેર્યો હતો, તે ડ્રેસ આ મૂર્તિ પર કોતરવામાં આવ્યો હતો.