અમેરિકાએ ત્રાસવાદી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ ઝવાહિરીને કાબુલમાં એક ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. 2011માં ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતર્યા પછી અમેરિકાનું ત્રાસવાદ સામેનું આ બીજી મોટું ઓપરેશન હતું. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝવાહિરીને અફઘાનિસ્તાનમાં સીઆઈએના ડ્રોને ઠાર કર્યો હતા.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ટ્વિટ કરીને અલ ઝવાહિરીના મૃત્યુની પૃષ્ટિ આપી હતી. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને પોતાની પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે, શનિવારના રોજ મારા આદેશ અનુસર અમેરિકાએ અફઘાનિસ્તાન, કાબુલમાં સફળ હવાઈ હુમલો કર્યો, જેમાં અલ કાયદાના વડા અમીર અયમાન અલ ઝવાહિરીનું મૃત્યુ થયું છે. ન્યાય મળી ગયો છે. અલ ઝવાહિરી પર અમેરિકામાં થયેલા અનેક હુમલાઓનો આરોપ હતો.
વર્ષ 2001માં 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકા પર થયેલા હુમલામાં ઝવાહિરીએ મોટી ભૂમિકા ભજવી હતી. તે હુમલામાં અમેરિકાના ચાર ડોમેસ્ટિક વિમાનોને હાઈજેક કરીને તેમને ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર, વોશિંગ્ટન પાસે રક્ષા મંત્રાવય પેંટાગન અને પેંસિલવેનિયામાં ટકરાવવામાં આવ્યા હતા. આ હુમલામા લગભગ 3 હજાર લોકોનાં મૃત્યુ થયા હતા.
જો બાઈડને પોતાની આગામી ટ્વિટમાં લખ્યું તે, જે લોકો અમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમનાથી અમેરિકાના લોકોની સુરક્ષા કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ પ્રતિબદ્ધ છે. આજે અમે એક વાતની સ્પષ્ટતા કરવા માંગીએ છીએ- ભલે ગમે તેટલો સમય લાગી, ભલે તમે ગમે ત્યાં પણ છુપાવવાનો પ્રયત્ન કરો, અમે તમને શોધી લઈશું.