H-1B વિઝાહોલ્ડર્સને મોટી રાહત થાય તેવી એક હિલચાલમાં વ્હાઇટ હાઉસના સમર્થન સાથે રવિવારે એક ડીલ થઈ હતી, જે હેઠળ આશરે 1,00,000 H-4 વિઝાહોલ્ડર્સને ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન મળશે. તેનાથી કેટલીક કેટેગરીના H-1B વિઝાહોલ્ડર્સના જીવનસાથી અને બાળકોને અમેરિકામાં જોબની મંજુરી મળશે.
યુએસ સેનેટમાં રીપબ્લિકન અને ડેમોક્રેટિક નેતાઓ વચ્ચેની લાંબી વાટાઘાટો પછી રવિવારે જાહેર કરાયેલી રાષ્ટ્રીય સુરક્ષા સમજૂતી મુજબ જે H-1B વિઝાહોલ્ડર્સના આશ્રિતોની ઉંમર વીતી ગઈ છે, તેવા લગભગ 250,000 સંતાનોની સમસ્યાનો ઉકેલ તેમાં ઓફર કરાયો છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ઘણા લાંબા સમયથી ઇમિગ્રેશન સિસ્ટમ તૂટી ગઈ છે. તેને વ્યવસ્થિ કરવાનો સમય આવી ગયો છે. તે આપણા દેશને આપણી સરહદોને વધુ સુરક્ષિત બનાવશે, રાષ્ટ્ર તરીકેના આપણા મૂલ્યો સાથે સુસંગત, કાયદેસરનું ઇમિગ્રેશન જાળવી રાખીને લોકો સાથે ન્યાયી અને માનવીય વર્તન કરશે.”
ઇન્ડિયન-અમેરિકન ઇમિગ્રન્ટ્સ માટે અન્ય એક સારા સમાચાર એ છે કે આ બિલમાં લાંબા ગાળાના H-1B વિઝાહોલ્ડર્સને ઉંમર વીતિ ગઈ છે તેવા સંતાનોને રક્ષણ આપવાની જોગવાઈ છે. જો કે તે માટે સંતાનોએ આઠ વર્ષ સુધી H4 સ્ટેટસ જાળવી રાખ્યું હોવું જરૂરી છે.
આ બિલમાં દરેક દેશ દીઠ ટોચમર્યાદા સાથે આગામી પાંચ વર્ષ માટે દર વર્ષે વધુ 18,000 રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી કરવાની જોગવાઈ છે. એ મુજબ, આગામી પાંચ વર્ષમાં અમેરિકા દર વર્ષે 158,000 રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી કરશે.
વ્હાઇટ હાઉસે રવિવારે રાત્રે જારી કરેલી ફેક્ટશીટમાં જણાવ્યું હતું કે “આ બિલમાં દર વર્ષે આશરે 25,000 K-1, K-2 અને K-3 નોન-ઇમિગ્રન્ટ વિઝાહોલ્ડર્સ (મંગેતર અથવા પત્ની અને યુએસ નાગરિકોના સંતાનો) અને લગભગ 100,000 H-4 વિઝાહોલ્ડર્સને વર્ક ઓથોરાઇઝેશનની દરખાસ્ત છે. તેથી તેમણે અમેરિકામાં નોકરી ચાલુ કરતાં પહેલા મંજૂરી મેળવવાની અરજી અને તેની રાહ જોવાની જરૂર પડશે નહીં.”