અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત સહિતના દેશો સામે આક્રમક વલણ અપનાવવા બદલ ચીનની ઝાટકણી કાઢી છે. ટ્રમ્પ વતી વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મેકનેનીએ કહ્યુ હતુ કે, ભારત સહિતના બીજા દેશો સામે ચીને જે વલણ અપનાવ્યુ છે તેનાથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો અસલી ચહેરો દુનિયા સામે આવી ગયો છે. ચીન અને ભારતની સેનાઓ વચ્ચે ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષ બાદ બંને દેશોના સબંધોમાં ભારે તનાવ છે.
તેના પર મેકનેનીએ કહ્યુ હતુ કે, અમે બંને દેશો વચ્ચેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે પણ જાણકારી મેળવી રહ્યા છે અને તેમનુ માનવુ છે કે, ચીન દુનિયાના બીજા હિસ્સાઓમાં જે પ્રકારની આક્રમકતા દેખાડે છે તે જ પ્રકારનુ વલણ તેણે ભારતની સીમા પર પણ અપનાવ્યુ છે.
આ હરકતો ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના અસલી ચહેરાને ખુલ્લો પાડે છે. જોકે એવુ પહેલી વખત નથી બન્યુ કે ચીન અને ભારતના તનાવમાં અમેરિકાએ ભારતનુ ખુલ્લેઆમ સમર્થ કર્યુ હોય. ચીન સામેના સંઘર્ષ અને એ પછી ભારતે ચીન સામે લીધેલા દરેક પગલાને અમેરિકા ખુલીને ટેકો આપી રહ્યુ છે. અમેરિકાએ તો ચાઈનીઝ એપ બેન કરવાના ભારતના પગલાનુ પણ સમર્થન કર્યુ છે.