
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHO( વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પર આરોપ મુકયો છે કે, WHO દ્વારા કોરોના વાયરસના મામલે ચીનનો પક્ષ લેવામાં આવ્યો છે અને ચીનને બચાવવાની કોશિશ કરી છે.
વ્હાઈટ હાઉસમાં પત્રકારોને ટ્રમ્પે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસને લઈને જ્યારે પણ ચેતવણી આપવાની સ્થિતિ ઉભી થઈ ત્યારે WHO દ્વારા ચેતવણી આપવાની જગ્યાએ જાણકારી છુપાવવામાં આવી હતી.
WHO સતત ચીનનો પક્ષ લઈ રહ્યુ છે અને તેને બચાવતુ રહ્યુ છે.જો દુનિયાને પહેલા જ આ બાબતની પૂરતી જાણકારી અપાઈ હોત તો આટલા લોકોના મોત થયા ના હોત. અમેરિકન કોંગ્રેસના સભ્યો પણ આ મુદ્દે ટ્રમ્પનુ સમર્થન કરી રહ્યા છે.
કોરોનાના મુદ્દે ટ્રમ્પ સતત ચીનને ઘેરતા આવ્યા છે.ટ્રમ્પ પહેલેથી કોરોનાને ચાઈનિઝ વાયરસ કહી રહ્યા છે.જેના કારણે ચીન પણ છંછેડાયુ છે. અમેરિકામાં જ કોરોના વાયરસના કારણે 1000 લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને ન્યૂયોર્કમાં સ્થિતિ સૌથી ગંભીર છે.
