ગયા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ૧૨૮.૫૫ બિલિયન ડોલર રહ્યો હતો. આ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. બીજી તરફ, ૨૦૨૨-૨૩માં ભારત-ચીનનો વેપાર અગાઉના વર્ષના ૧૧૫.૪૨ બિલિયન ડોલરથી ૧.૫ ટકા ઘટીને ૧૧૩.૮૩ બિલિયન ડોલર થયો હતો.
ભારતના વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર, ભારત અને યુએસ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૨-૨૩માં ૭.૬૫ ટકા વધીને ૧૨૮.૫૫ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે. અગાઉના નાણાકીય વર્ષ (૨૦૨૧-૨૨)માં બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર ૧૧૯.૫ બિલિયન ડોલર હતો, જ્યારે ૨૦૨૦-૨૧માં તે માત્ર ૮૦.૫૧ બિલિયન ડોલર હતો.
ડેટા અનુસાર, ભારતથી યુએસમાં નિકાસ ૨૦૨૧-૨૨ના ૭૬.૧૮ બિલિયન ડોલરથી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૮૧ ટકા વધીને ૭૮.૩૧ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં યુએસથી આયાત ૧૬ ટકા વધીને ૫૦.૨૪ બિલિયન ડોલર થઈ હતી.
૨૦૨૨-૨૩માં ભારતથી ચીનમાં નિકાસ ૨૮ ટકા ઘટીને ૧૫.૩૨ અબજ ડોલર થવાની ધારણા છે, જ્યારે આયાત ૪.૧૬ ટકા વધીને ૯૮.૫૧ અબજ ડોલર થવાની ધારણા છે.ચીન સાથે ભારતની વેપાર ખાધ ૨૦૨૨-૨૩માં વધીને ૮૩.૨ બિલિયન ડોલર થવાની તૈયારીમાં છે, જે અગાઉના વર્ષમાં ૭૨.૯૧ બિલિયન ડોલર હતી. નિષ્ણાંતોનું માનવું છે કે આગામી વર્ષોમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વધવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે