ગાંધીનગરમાં ચાલી રહેલી જી-20 બેઠકોના ભાગરૂપે યોજાનારા ઇન્ડિયા-યુએસ ડાયલોગ પહેલાં અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેને સોમવારે જણાવ્યું હતું કે યુએસ અને ભારત વિશ્વના સૌથી ગાઢ ભાગીદારોમાંના એક છે અને તેમનો દેશ તેના G20 પ્રમુખપદ દરમિયાન ભારતના નેતૃત્વની પ્રશંસા કરે છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ગયા વર્ષે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો અને આગામી વર્ષોમાં વધુ વૃદ્ધિની અપેક્ષા છે.
યેલેન અને ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારામને ગાંધીનગરમાં મીડિયાને સંયુક્ત રીતે સંબોધિત કર્યા હતાં. સીતારામને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગયા મહિને અમેરિકાની મુલાકાત અને અમેરિકી પ્રેસિડન્ટ સાથેની તેમની મુલાકાતે બંને દેશો વચ્ચેની ભાગીદારીની મજબૂતાઇ અને ગતિશીલતામાં વધારો થયો છે.
યેલેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ભારત સાથેના અમારા દ્વિપક્ષીય સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. અમેરિકા અને ભારત વિશ્વના સૌથી નજીકના ભાગીદારોમાંથી એક છે. યુએસ G20 પ્રમુખપદ દરમિયાન ભારતના નેતૃત્વની પ્રશંસા કરે છે અને અમે અમારો ગાઢ સહયોગ ચાલુ રાખીશું. વિશ્વ આબોહવા પરિવર્તન અને મહામારી જેવા મુખ્ય પડકારો પર પ્રગતિ સાધવા માટે G20 તરફ જોઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે અમે અમારી બેઠકોમાં નક્કર પગલાં લઈ શકીશું. આંતરરાષ્ટ્રીય દેવા પુર્નગઠન પ્રક્રિયામાં સુધારો કરવાના જી-20ના પ્રયાસોને સપોર્ટ સહિત જી-20 અધ્યક્ષ તરીકે દેવાના મુદ્દા પર ભારતે દર્શાવેલા નેતૃત્વની હું પ્રશંસા કરીશું. યેલેને મલ્ટિલેટરલ ડેવલમેન્ટ બેન્કો અથવા MDBsના ખ્યાલને આગળ વધારવા પર ભારતને મૂકેલા ફોકસનું પણ સ્વાગત કર્યું હતું. એક અનુમાન મુજબ આ પ્રક્રિયાના ભાગ રૂપે પહેલાથી જ અમલમાં મુકાયેલા અથવા વિચાર-વિમર્શ હેઠળના પગલાંથી આગામી દાયકામાં એમડીબી 200 બિલિયન ડોલરનુ ભંડોળ છૂટુ કરી શકે છે. અમને વર્લ્ડ બેન્કનું નેતૃત્વ કરવા માટે અજય બંગાની ઉમેદવારીને ટેકો આપવા બદલ પણ ગર્વ છે. અમે માનીએ છીએ કે તેઓ આ નિર્ણાયક સુધારાઓ માટે યોગ્ય નેતૃત્વ પ્રદાન કરી રહ્યા છે.
યેલેને જણાવ્યું હતું કે G20માં અમારા સહકાર ઉપરાંત અમે ભારત સાથેના અમારા દ્વિપક્ષીય સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ. વડાપ્રધાન મોદીની વોશિંગ્ટનની તાજેતરની મુલાકાતમાં પુરવાર થયું છે કે અમેરિકા અને ભારત વિશ્વના સૌથી નજીકના ભાગીદારોમાંના એક છે અને તે સંબંધ પર અમારા કાર્યને આગળ વધારવામાં મદદ કરવા બદલ મને ગર્વ છે. એશિયાની બહાર સૌથી મોટા ભારતીય ડાયસ્પોરો અમેરિકામાં છે અને તે ભારતના સૌથી મોટા નિકાસ બજાર તરીકે સેવા આપે છે. ભારત અને અમેરિકાનો આર્થિક સહયોગ કોમર્શિયલ અને ટેકનોલોજી, સપ્લાય ચેઇન અને ક્લિન એનર્જી ટ્રાન્સિશન સહિતના આર્થિક મુદ્દા પર છે.
ભારત-અમેરિકા જી-20 એજન્ડા માટે પ્રતિબદ્ધઃ સીતારામન
આ પ્રસંગે સીતારામને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગયા મહિને યુએસની મુલાકાત અને યુએસ પ્રમુખ સાથેની તેમની બેઠકથી બંને દેશો વચ્ચેની ભાગીદારી વધુ મજબૂતી અને ગતિશીલ બની છે. આ ઐતિહાસિક મુલાકાતથી સહયોગના નવા વિકલ્પો માટેનો માર્ગ મોકળો થયો છે અને આપણી ભાગીદારી નવી ઊંચાઇએ પહોંચી છે. અમારી મંત્રણા જી-20 એજન્ડાને આગળ ધપાવવા માટેની ભારત અને અમેરિકાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે. જી-20 એજન્ડામાં મલ્ટિલેટર ડેવલપમેન્ટ બેન્કોની મજબૂતાઈ, ક્લાઇમેટ એક્શન, નાણાકીય સર્વસામાવેશિતા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.