અમેરિકાએ ભારતમાં પાંચમા હંગામી ડિપ્લોમેટ તરીકે એલિઝાબેથ જોન્સની એમ્બેસેડર તરીકે નિમણુંક કરી છે. એમ્બેસેડર તરીકે એરિક ગારસેટ્ટીની રાજકીય નિમણૂક સેનેટમાં અટવાઈ ગયેલી હોવાથી જોન્સની હંગામી નિયુક્તિ કરવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, જોન્સે અફઘાનિસ્તાનમાં સ્થાનિકોને સ્થળાંતર કરવાના પ્રયાસોમાં સંયોજકની ભૂમિકા ભજવી હતી.
હવે તેઓ નવી દિલ્હી સ્થિત અમેરિકન એમ્બેસીમાં ઇન્ચાર્જ તરીકે કાર્ય કરશે. ઘણા ક્ષેત્રોમાં અમેરિકા માટે ભારતનું વિશેષ વ્યૂહાત્મક મહત્ત્વ છે અને ભારતની યુક્રેન મુદ્દે તટસ્થતા તેમ જ રશિયા સાથે ઊર્જા વ્યાપાર હોવા છતાં વોશિંગ્ટન પાસે ત્યાં રાજકીય રીતે કોઇ સક્ષમ રાજદ્વારી નથી. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેથ જસ્ટરની નિમણૂક કરી તે પછી છેલ્લા 21 મહિનામાં ભારતમાં ચાર ઇન્ચાર્જ એમ્બેસેડરની નિયુક્તી થઇ છે. જાન્યુઆરી 2021માં ડોનાલ્ડ ટ્રમ્પે પદ છોડતા જો બાઇડેન પ્રેસિડેન્ટ પદે આરુઢ થયા હતા.
જોન્સે તેમની વિદેશ સેવામાં કારકિર્દીની શરૂઆત સાઉથ એશિયામાં કાબુલથી કરી હતી. પછી તેઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ખાસ નાયબ પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. ગત વર્ષે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી લશ્કરને પરત બોલાવી લેતા તેઓ અફઘાનીઓને મદદ કરવા અને તેમને સ્થાયી કરવા માટે સંયોજકની ભૂમિકામાં હતા.
ભારતમાં એમ્બેસડર પદે લોસ એન્જલસના મેયર ગાર્સેટીની નિમણૂક સેનેટમાં બહાલી માટે અટકી છે, સેનેટને વરિષ્ઠ સરકારી નિયુક્તિઓને મંજૂરી આપવાની હોય છે, કારણ કે એક ભૂતપૂર્વ વરિષ્ઠ કર્મચારી દ્વારા શારીરિક છેડતી થઇ હોવા બાબતે તેઓ જાણતા હોવા છતાં તેમણે કોઇ કાર્યવાહી કરી નહોતી તેથી આ મુદ્દે વિવાદ થયો હતો. બે રીપબ્લિકન સેનેટરોએ સેનેટમાં તેમનું નોમિનેશન અટકાવ્યું હતુ, જેને ડિસેમ્બરમાં જાહેર સુનાવણી પછી તેની ફોરેન રીલેશન્સ કમિટી દ્વારા મંજૂર કરાયું હતું.