સ્ટ્રોક, હાર્ટ એટેક અથવા હાડકાં તૂટેલા હોય તેવા હજારો દર્દીઓએ બુધવારે તા. 21ના રોજ એમ્બ્યુલન્સ સ્ટાફની હડતાલનો સામનો કરવો પડશે. જીવનને જોખમ ન હોય તેવા સંજોગોમાં લોકોએ જાતે A&E જવું પડશે 4, NHS બોસે ચેતવણી આપી છે. આ વિક્ષેપ આગામી ત્રણ દિવસ સુધી ચાલે તેવી ધારણા છે. 999 ઉપર બુધવારે ફોન કરનાર દર્દીઓને કદાચ શુક્રવારે એમ્બ્યુલન્સ મળે તેમ બની શકે છે.
હોસ્પિટલના વડાઓને ડર છે કે બુધવારની એમ્બ્યુલન્સ કર્મચારીઓની હડતાલ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દર્દીઓને “નુકસાનનું મોટું જોખમ” આપશે, જેમાં વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે.
યુનિયન નેતાઓ કહે છે કે વધતા જતા ફુગાવા વચ્ચે પેરામેડિક્સ માટે પગારમાં સુધારો કરવાની માંગ વચ્ચે તેમની પાસે કડક પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નથી, મિનિસ્ટર્સે તેમને વાટાઘાટોના ટેબલ પર આવવા વિનંતી કરી છે. બીજી તરફ રોયલ કોલેજ ઓફ નર્સિંગ (RCN) ના 100,000 જેટલા સભ્યોએ તા. 20ના રોજ હડતાળ કરી હતી.
નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ (NWAS) એ આ અઠવાડિયે GPs, NHS ટ્રસ્ટ અને NHS111 ટેલિફોન સેવાઓને લખેલા પત્રમાં એમ્બ્યુલન્સ સેવાઓને આવરી લેતી અંધાધૂંધીનો પૂર્વાનુમાન આપ્યો હતો.
ગ્રેટર માન્ચેસ્ટરમાં NHS એ સમગ્ર પ્રદેશના GP ને સલાહ આપી છે કે જે દર્દીઓને એમ્બ્યુલન્સ ન મળી શકે તેવા દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે ટેક્સીઓના ભાડા તેમણે ચૂકવવા. આમ કરવા માટે વળતર આપવાની ઓફર કરી હતી.
હેલ્થ યુનિયનોએ ઉનાળામાં મોટાભાગના NHS કર્મચારીઓને £1,400 પ્રતિ વ્યક્તિ અપાયા ત્યારે સરકાર દ્વારા એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે વાત કરવાનો ઇનકાર કરાયો હતો જેને કારણે આ પરિસ્થિતિ આવી છે.
યુનિસનના જનરલ સેક્રેટરી ક્રિસ્ટીના મેકએનીએ કહ્યું હતું કે “જો મિનિસ્ટર્સ ફક્ત યુનિયનો સાથે વાત કરશે અને NHS પગારમાં સુધારો કરશે તો કોઈ હડતાલ થશે નહીં.”
હેલ્થ સેક્રેટરી તા. 20ના રોજ એમ્બ્યુલન્સ યુનિયનો સાથે મુલાકાત કરનાર છે પરંતુ તેઓ પગારના મુદ્દાને બદલે સ્ટાફિંગના પગલાં અંગે ચર્ચા કરશે.
NHS માટે વર્ષના ખૂબ જ પડકારજનક સમયે સેવાઓમાં વ્યાપક વિક્ષેપની ચેતવણીઓને પગલે મિનિસ્ટર સ્ટીવ બાર્કલેએ પેરામેડિક્સનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ યુનિયનોને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે.
આરોગ્ય વડાઓ દ્વારા NHS ટ્રસ્ટ અને ઇંગ્લેન્ડના ઇન્ટીગ્રેટેડ કેર બોર્ડને એક સંયુક્ત પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલોને એમ્બ્યુલન્સ ક્રૂ દ્વારા હડતાલ પાડવામાં આવે તે પહેલા દર્દીઓને સુરક્ષિત રીતે રજા આપીને બેડ ખાલી કરવા વિનંતી કરવામાં આવી હતી.
એમ્બ્યુલન્સ સેવાઓમાં કામ કરતા યુનિસન, યુનાઈટ અને જીએમબીના સભ્યો બુધવારે ઈંગ્લેન્ડ અને વેલ્સની 11 પ્રાદેશિક એમ્બ્યુલન્સ સેવાઓમાંથી 10માં 24 કલાકની હડતાળ કરનાર છે. GMB બુધવારે 28 ડિસેમ્બરે બંને દેશોમાં બીજી વખત હડતાળ કરવા માગે છે.
એમ્બ્યુલન્સ સ્ટાફની હડતાળ સામે 1,200 જેટલા સૈન્યના કર્મચારીઓ કામે લાગશે. કાર્ડિયાક અરેસ્ટ જેવા તમામ અત્યંત જીવલેણ કોલ્સનો જવાબ આપવામાં આવશે, પરંતુ જીવને જોખમ ન હોય તેવી ઇજાઓ કે બીમારીઓ માટે એમ્બ્યુલન્સ મોકલવામાં આવશે નહિં.
નોર્થ ઈસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે ‘’ગંભીર પ્રકૃતિના તમામ કોલનો પ્રતિસાદ આપી શકશે નહીં અને કેટલાક દર્દીઓએ જાતે હોસ્પિટલ જવુ પડશે.
લંડન એમ્બ્યુલન્સ સર્વિસે ચેતવણી આપી હતી કે જીવન માટે જોખમ ન હોય તેવી પરિસ્થિતિઓ ધરાવતા દર્દીઓને હડતાલના દિવસોમાં એમ્બ્યુલન્સ મળવાની શક્યતા નથી.
બાર્કલે અને ઋષિ સુનાક પર કન્ઝર્વેટિવ રેન્કની અંદરથી તેમના કટ્ટર વલણને છોડી દેવા અને શિયાળામાં લાંબી હડતાલની શ્રેણી બની શકે તે ટાળવા માટે વાટાઘાટો શરૂ કરવા માટે દબાણ વધી રહ્યું છે.