કેબિનેટમાં બળવા અને ટ્રાવેલ ઉદ્યોગની આકરી પ્રતિક્રિયા બાદ રેડ લિસ્ટ તરફ જવાનું જોખમ ધરાવતા દેશો માટેનું “એમ્બર વોચલિસ્ટ” બનાવવાની યોજનાઓને રદ કરી દેવામાં આવી છે. ટ્રાવેલ લિસ્ટ સિસ્ટમમાં ગુરૂવારે 5 ઓગસ્ટના રોજ સુધારો થનાર છે.
હાલની રેડ, ગ્રીન અને એમ્બર સિવાયની વધારાની આ યોજનાને ચાન્સેલર સુનક અને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ દ્વારા હોલીડેઝને અસ્થિર બનાવી શકે તેવી આશંકાને કારણે નકરી કાઢી હતી. વડા પ્રધાન બોરિસ જોન્સને તા. 2 સોમવારે કહ્યું હતું કે, ‘’હું પ્રવાસીઓ માટે “સરળ” અને “મૈત્રીપૂર્ણ” સિસ્ટમ ઇચ્છુ છું જે કોવિડ-19ના નવા વેરિયન્ટ્સની આયાતને રોકવામાં પણ મદદ કરી શકે. હું સમજું છું કે લોકો ઉનાળાની હોલીડેઝ માટે કેવું આયોજન અને તૈયારી કરે છે. અમારે સંતુલિત અભિગમ રાખવો પડશે”.
સમરમાં સ્પેન, ઇટાલી અથવા ગ્રીસના પ્રવાસીઓ સાથે નવું વેરિએન્ટ પાછું લઈ આવે તેવી આશંકા બાદ “એમ્બર વોચલિસ્ટ” ઉમેરવાની દરખાસ્તો ચર્ચામાં હતી. જો કે, આ દરખાસ્તથી ટોરીઝમાં ભય પેદા થયો હતો કે તેનાથી તે દેશોમાં પ્રવાસનું આયોજન કરતા લાખો પ્રવાસીઓને અસર થશે. રેડ લિસ્ટેડ દેશમાંથી યુકેમાં પ્રવેશ કરનાર કોઈપણ વ્યક્તિએ £1,750 ના ખર્ચે હોટેલ ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કરવો આવશ્યક છે.
લેબર શેડો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી જિમ મેકમોહને કહ્યું કે ‘’વોચલિસ્ટના વિચારને રદ કરવો એ દર્શાવે છે કે ટોરીઝ તેમની રોગચાળાની બોર્ડર પોલીસી બાબતે સંપૂર્ણ અંધાધૂંધીમાં છે.”
ટ્રાફિક લાઇટ સિસ્ટમમાં વધારાનું સ્તર ઉમેરવાની યોજનાને ડમ્પ કરવાના જોન્સનના નિર્ણયને ટ્રાવેલ ઉદ્યોગ દ્વારા આવકારવામાં આવ્યો છે. એર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી બોડી એરલાઇન્સ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ એલ્ડર્સલેડે સરકારના આ પગલાની પ્રશંસા કરી દાવો કર્યો હતો કે “લોકો સ્પષ્ટ અને સુસંગત મુસાફરી વ્યવસ્થા ઇચ્છે છે જે તેઓ સમજી શકે અને તે કામ કરી શકે છે”. તેમણે સરકારને આગળ વધવા અને વધુ દેશોને ગ્રીન લિસ્ટમાં સામેલ કરવા વિનંતી કરી હતી.