ભારતની મૂડીબજાર નિયમનકારી સંસ્થા સેબીએ બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડા મુકેશ અંબાણી તેમના નાના ભાઇ અનિલ અંબાણી અને તેમની નીતા અંબાણી તેમજ ટીના અંબાણીને રૂ.25 કરોડ પેનલ્ટી ફટકારી હતી. આ કાર્યવાહી ટેકઓવરના નિયમોનું પાલન ન કરવાના આશરે 11 વર્ષ જૂના કેસમાં દંડ ફટકાર્યો હતો.
આ કેસમાં સેબીએ ઘણા લોકોને દંડ ફટકાર્યો છે. તેમાં કોકિલા બહેન અંબાણી, મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણી, દીકરી ઇશા અંબાણી, અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વગેરે પણ સામેલ છે. સેબીએ બુધવારે 20 વર્ષ જૂના આ કેસમાં 85 પાનાનો ઓર્ડર જાહેર કર્યો છે. આ ઓર્ડરમાં કહ્યું હતું કે, વર્ષ 2000માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેકઓવરના નિયમોનું પાલન ન કરવામાં આવતા આ દંડ ફટકાર્યો છે. તે સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાગલા પડ્યા ન હતા. આથી અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીને પણ આ દંડ ફટકારવામાં આવ્યો છે.
સેબીના આદેશ અનુસાર રિલાયન્સના પ્રમોટરોએ વર્ષ 2000માં પોતાની કંપનીની 6.83 ટકા હિસ્સેદારી હસ્તગત કરી હતી. આ ટેકઓવર 1994માં જારી કરાયેલા 3 કરોડ વોરંટને પરિવર્તિત કરીને કરવામાં આવ્યુ હતુ. સેબીના મતે રિલાયન્સના પ્રમોટરોએ પીએસીની સાથે મળીને નોન ટ્રાન્સફરેલ સિક્યોરિટી રિડિમેબલ ડિબેન્ચર સંબંધિત વોરંટને શેરમાં તબદીલ કરવાના વિકલ્પનો ઉપયોગ કરી 6.83 ટકા હિસ્સેદારી હસ્તગત કરી હતી. આ ટેકઓવર નિયમ મુજબ નિર્ધારિત 5 ટકાની મર્યાદા કરતા વધારે હતુ.
સેબીએ નોંધ્યું હતું કે પ્રમોટર અને પીએસીએ શેર ટેકઓવર માટે કોઇ સાર્વજનિક ઘોષણા કરી ન હતી. આથી તેમણે ટેકઓવરના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. સેબીના નિયમો હેઠળ પ્રમોટર ગ્રૂપે કોઇ પણ નાણાકીય વર્ષમા 5 ટકાથી વધારે વોટિંગ રાઇટ્સનું અધિગ્રહણ કરવામાં આવે તો તેની માટે તેમણે શેરધારકો માટે ઓપન ઓફર લાવવી જરૂરી છે.