રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનમા શિફ્ટ થવાનો છે તેવી અટકળોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નકારી કાઢી છે. કંપનીએ છ નવેમ્બરે સ્પષ્ટતા કરી હતી કે ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર બીજી જગ્યાએ શિફ્ટ થવાની યોજના ધરાવતો નથી. અંબાણી પરિવાર યુકેમાં બીજુ ઘર રાખશે તથા લંડનના મકાન અને મુંબઈના નિવાસસ્થાનમાં વારફરતી રહેશે તેવી અટકળોને પણ કંપનીએ નકારી કાઢી હતી. રિલાયન્સે જણાવ્યું હતું કે આ અહેવાલ બિનજરૂરી અને તથ્યવિહીન છે.
કંપનીએ જણાવ્યું હતું કે અંબાણી પરિવાર દુનિયાના બીજા કોઈ દેશમાં પણ તેઓ રહેવા જવાનો નથી. ગુરુવારે એક અખબારે એવો દાવો કર્યો હતો કે અંબાણી પરિવાર હવે કેટલોક સમય ભારતમાં અને કેટલોક સમય લંડનમાં વિતાવશે. લંડનમાં મુકેશ અંબાણી પાસે 300 એકરની એક પ્રોપર્ટી છે. અંબાણી પરિવાર બકિંગહેમશાયરમાં 300 એકરની સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબને પોતાનું સેકન્ડ હોમ બનાવવા સજ્જ છે.
બીજી તરફ રિલાયન્સે કહ્યું છે કે, સ્ટોક પાર્ક ખાતે જે હેરિટેજ પ્રોપર્ટી આવેલી છે તે પ્રોપર્ટી કંપનીની છે અને તેમાં ગોલ્ફિંગ રિસોર્ટ ડેવલપ કરવાની યોજના છે. આ રિસોર્ટ રિલાયન્સ ગ્રૂપના બિઝનેસમાં મદદ કરશે.સ્ટોક પાર્કની પ્રોપર્ટી મુકેશ અંબાણીએ આ વર્ષે જ 592 કરોડ રુપિયામાં ખરીદી છે, જેમાં 49 બેડરુમ છે. આ એક રિસોર્ટ છે અને હોલીવૂડ ફિલ્મો માટે ત્યાં શૂટિંગ પણ થઈ ચુકયું છે.
આ વર્ષના એપ્રિલમાં રિલાયન્સે આશરે 57 મિલિયનમાં સ્ટોક પાર્ક ખરીદી હતી. આ પ્રાઇવેટ સ્પોર્ટિંગ એન્ડ લીઝર એસ્ટેટનો ઉપયોગ 1908 સુધી પ્રાઇવેટ રેસિડન્સ તરીકે થતો હતો.રિલાયન્સે જણાવ્યું હતું કે આ ખરીદી ઝડપથી વિકસતા કન્ઝ્યુમર બિઝનેસ માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે.
ભારતના સુનિલ મિત્તલ, હિન્દુજા પરિવાર અને અનિલ અગ્રવાલ જેવા ઘણા બિઝનેસમેન તેમના બેઝ તરીકે લંડનનો ઉપયોગ કરે છે. અંબાણી પરિવારે 2020નો સમર હેમ્પશાયરના હેકફિલ્ડ પ્લેસમાં વિતાવ્યો હોવાનું માનવામાં આવે છે.