અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને પાછળ રાખીને ફરી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ગોતમ અદાણીની સંપત્તિ વધીને હવે 88.5 અબજ ડોલર થઈ છે અને વિશ્વના ટોચના દસ ધનિકોમાં તેમનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી સંપત્તિ કરતાં ગૌતમ અદાણીની સંપત્તિ 60 કરોડ ડોલર વધુ છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં જણાવાયું છે.
ચાલુ વર્ષે અત્યાર સુધી ગૌતમ અદાણીની સંપત્તિમાં આશરે 12 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 2.07 અબજ ડોલરનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણી હાલમાં ભારત અને એશિયાના બીજા ક્રમના સૌથી વધુ ધનિક છે. વિશ્વના ટોચના ધનિકોમાં અંબાણી 11માં ક્રમે આવે છે. આઠ ફેબ્રુઆરીના રોજ અંબાણીની કુલ નેટવર્થ 87.9 અબજ ડોલર હતી.
ગયા વર્ષના નવેમ્બરમાં મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનિક હતા અને ગૌતમ અદાણીની સંપત્તિ તેમની સંપત્તિ કરતા આશરે 2.2 બિલિયન ડોલર ઓછી હતી. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરના ભાવમાં આશરે 18.5 ટકાનો વધારો થયો છે. રિલાયન્સનો શેર મંગળવારની સવારે રૂ.2,312.75એ ટ્રેડ થતો હતો. આની સામે અદાણી એન્ટરપ્રાઇઝના શેરના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 170 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે અને શેર મંગળવારે રૂ.1,741ની સપાટીએ ટ્રેડ થતો હતો.
ગૌતમ અદાણીએ રિન્યુએબલ બિઝનેસ અને બીજા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન જેવી અદાણી ગ્રૂપની કંપનીઓએ છેલ્લાં એક વર્ષમાં ઘણો સારો દેખાવ કર્યો છે. અદાણી ટોટલ ગેસના શેરના ભાવમાં એક વર્ષમાં આશરે 370 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના શેરના ભાવમાં 250 ટકાનો અસાધારણ ઉછાળો આવ્યો છે. અદાણી ગ્રૂપની એફએમસીજી કંપની અદાણી વિલ્મરનું મંગળવારે શેરબજારમાં 4 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ થયું હતું.