Ambaji brightened up with Avanvi Roshni decorations

ઉત્તર ગુજરાતના અંબાજી ધામમાં મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ મા ના ચરણોમાં દર્શનાર્થે ઉમટ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે….. બોલમાડી…… અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજી માં મિનિકુંભનો માહોલ સર્જાયો છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે વર્ષ બાદ યોજાઈ રહેલા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે તો માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે, માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે.


અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિદ્વાર થી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે

LEAVE A REPLY