જૂનાગઢના ગિરનાર પર્વતની દર વર્ષે કારતક મહિનામાં પાંચ દિવસ સુધી યોજાતી લીલી પરિક્રમાની જેમ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત ઉપર આવેલાં 51 શક્તિપીઠોની પરિક્રમા કરી શકશે. અંબાજીમાં આશરે રૂ. 61.57 કરોડના ખર્ચે તમામ 51 શક્તિપીઠની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
આ શક્તિપીઠની પ્રદક્ષિણા કરવા માટે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. આગમી વર્ષે પ્રદક્ષિણા ચાલુ થાય તેવી શક્યતા છે. બનાસકાંઠાના કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના અધ્યક્ષ આનંદ પટેલે જણાવ્યું હતું કે, “અમે યાત્રાળુઓને આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચથી 51 શક્તિપીઠની પરિક્રમા કરવા દેવાની યોજના બનાવીએ છીએ.’
તેમણે જણાવ્યું હતું કે ‘આ કદાચ પ્રથમ સ્થાન હશે જ્યાં મા અંબાના ભક્તો પરિક્રમા દ્વારા શક્તિપીઠોની સંપૂર્ણ યાત્રા લઈ શકશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ તારીખ જાહેર કરવામાં આવશે. આ સમય સુધીમાં, વર્ષોથી જર્જરિત થયેલા પગથિયાંને પુનઃસ્થાપિત કરવાનું કામ પૂર્ણ થશે.’ અંબાજી ખાતે ગબ્બર પર આ અનોખો પ્રોજેક્ટ આકાર આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 2008માં કરવામાં આવ્યો હતો અને 47 મંદિરની પ્રતિકૃતિઓ અને ત્રણ ગુફાઓ સ્થાપવાનું કામ 2014માં પૂર્ણ થયું હતું. દંતકથા અનુસાર તમામ શક્તિપીઠોની મુલાકાત લેવી એ અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન છે. પરિક્રમામાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગવાની ધારણા છે.