એમેઝોન ઇન્કે તેના નેટવર્કમાં ક્રેડિટ કાર્ડનો સ્વીકાર કરવા માટે વિઝા ઇન્ક સાથે ગુરુવારે સમજૂતી કરી છે. આ સમજૂતીની સાથે બંને અગ્રણી કંપનીઓના વચ્ચે ફીના મુદ્દે ઊભા થયેલા વૈશ્વિક વિવાદનો અંત આવ્યો છે. આ વિવાદથી ઇ-કોમર્સ પેમેન્ટ સામે જોખમ ઊભું થયું હતું. ખાસ કરીને બ્રેક્ઝિટ પછી યુકેમાં આ મુદ્દો વધુ વિવાદાસ્પદ બન્યો હતો.
આ સમજૂતી મુજબ ગ્રાહકો કોઇપણ વધારાની ફી વગર એમેઝોનની સાઇટ્સ પર વિઝા કાર્ડનો ઉપયોગ કરી શકશે. બંને કંપનીઓએ ઇનોવેટિવ પેમેન્ટ એક્સપિરિયન્સ માટે પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીની પહેલો અંગે પણ સહકાર સાધવાની સમજૂતી કરી છે. ગયા વર્ષે એમેઝોને વિઝા કાર્ડનો ઉપયોગ કરતાં ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરના ગ્રાહકો પાસેથી 0.5 ટકા સરચાર્જ વસૂલ કરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ હવે આ સમજૂતીથી આ સરચાર્જ લાગુ પડશે નહીં. આ ઉપરાંત એમેઝોનની બ્રિટન ખાતેની amazon.co.uk પર પણ વિઝા કાર્ડનો ઉપયોગ કરી શકશે.
મહામારી દરમિયાન વધુને વધુ શોપર્સ ઓનલાઇન માધ્યમ તરફ વળ્યા હોવાથી વિઝા અને બીજા પેમેન્ટ કાર્ડ સામે તેમની ફીના કારણે ભારે દબાણ ઊભું થયું હતું.
ગુરુવારે જાહેર કરવામાં આવેલી આ સમજૂતી મુજબ એમેઝોનના ગ્રાહકો તેના સ્ટોર્સમાં વિઝા કાર્ડનો ઉપયોગ કરી શકશે, એમ ઇ-કોમર્સ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યુ હતું. જોકે બેમાંથી એકપણ કંપનીએ ભવિષ્યમાં કેટલી ફી વસૂલ કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરી ન હતી.
ખાસ કરીને યુકેમાં આ મુદ્દો વધુ વિવાદાસ્પદ બન્યો હતો, કારણ કે બ્રેક્ઝિટ પછી કાર્ડ ફી પર કોઇ મર્યાદા રહી ન હતી. બ્રિટનના સાંસદોએ ગયા મહિને જણાવ્યું હતું કે તેઓ વિઝા અને માસ્ટરકાર્ડની ફીમાં થયેલા વધારાની તપાસ કરવાની યોજના ધરાવે છે. અગાઉ દેશના પેમેન્ટ રેગ્યુલેટરે ફી વધારાને વાજબી ગણ્યો ન હતો.
]ગયા ઓક્ટોબરમાં વિઝાએ યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે ઓનલાઇન ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અથવા ફોન મારફત પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન વેલ્યૂના 1.5 ટકા ચાર્જ લાદ્યો હતો. આ ઉપરાંત ડેબિટ કાર્ડ માટે 1.15 ટકા ચાર્જ લાદ્યો હતો, જે અગાઉ અનુક્રમે 0.3 ટકા અને 0.2 ટકા હતો.એનાલિસ્ટ્સને જણાવ્યા મુજબ સરેરાશ ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગ ફી 1.5 ટકાથી 3.5 ટકા હોય છે.