હિન્દુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આરએસએસ) સાથે સંલગ્ન સાપ્તાહિક ‘ઓર્ગેનાઇઝર’એ અમેરિકાની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન પર પૂર્વોત્તર રાજ્યોમાં “ખ્રિસ્તી ધર્માંતરણ મોડ્યુલ” માટે ફંડ આપવાનો અને શંકાસ્પદ મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે.
‘એમેઝોન ક્રોસ કનેક્શન’ નામની કવર સ્ટોરીમાં મેગેઝિને જણાવ્યું છે કે, અમેરિકન બેપ્ટિસ્ટ ચર્ચ (એબીએમ) દ્વારા ચલાવવામાં આવતા ક્રિશ્ચિયન કન્વર્ઝન મોડ્યુલને એમેઝોન ફંડ આપે છે. ભારતના મિશનરીની મોટાપાયની વટાળ પ્રવૃત્તિના મિશન માટે ફંડ આપવા બહુરાષ્ટ્રીય કંપનીઓ અને એબીએમ મની લોન્ડરિંગ રિંગ ચલાવતા હોવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશના સામાજિક ન્યાય ફોરમના આક્ષેપ છે કે એમેઝોન તેના ફાઉન્ડેશન એમેઝોન સ્માઈલ મારફત સતત ભંડોળ પૂરું પાડે છે.
મેગેઝિનનો દાવો છે કે એમેઝોન ભારતીય નાગરિકોએ કરેલી દરેક ખરીદી સામે નાણાંનું દાન આપી ઓલ ઇન્ડિયા મિશનના ધર્માંતરણ મોડ્યુલને સ્પોન્સર છે. AIMએ પણ તેની વેબસાઇટ પર ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે તેને ઉત્તરપૂર્વ ભારતમાં 25,000 લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કર્યા છે. આરએસએસ સંલગ્ન સામયિકો સતત એમેઝોનની ટીકા કરે છે અને તેને “ઈસ્ટ ઈન્ડિયા કંપની 2.0” તરીકે ઓળખાવે છે.
ગયા વર્ષના ઓક્ટોબરમાં આરએસએસ સાથે સંલગ્ન ‘પંચજન્ય’એ આક્ષેપ કર્યો હતો કે સરકાર તેના માટે સાનુકૂળ નીતિઓ બનાવે તે માટે કંપની કરોડો રૂપિયાની લાંચ આપે છે. એમેઝોન ભારતીય બજારમાં તેનો એકાધિકાર સ્થાપિત કરવા માંગે છે. આવું કરવા માટે કંપનીએ ભારતીય નાગરિકોની આર્થિક, રાજકીય અને વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લેવા માટે પહેલ ચાલુ કરી છે.