કોરોના મહામારીના કારણે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજાય. જમ્મુ-કાશ્મીર વહિવટી તંત્ર અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને મંગળવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કર્યો છે. અમરનાથ યાત્રા જ્યાંથી પસાર થવાની હતી તે કાશ્મીર ઘાટીના 10 જિલ્લા કોરોના પ્રભાવિત છે.
અમરનાથ યાત્રા આ વર્ષે 23 જૂનથી શરૂ થવાની હતી. પરંતુ કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે તેને 21 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ-કાશ્મિરમાં પણ સંક્રમણના કેસમાં વધારો થતા આ નિર્ણય કરાયો છે. નિર્ણય લેવાયો ન હતો તે પહેલા જ યાત્રા માટે શ્રદ્ધાળુઓ માટેની જરૂરી તમામ તૈયારીઓ પુરી કરી લેવાઈ હતી. યાત્રાના માર્ગ ઉપર લંગરો પણ લાગી ચૂક્યા હતા.
ભારતમાં કોરોના મહામારીના 11 લાખ 70 હજાર 636 કેસ નોંધાયા છે અને 28 હજાર 329 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અહીં 14 હજાર 650 કેસ નોંધાયા છે અને 254 લોકોના મોત થયા છે. હાલ અહીં 6122 એક્ટિવ કેસ છે.