નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ભારત સામે યુદ્ધ છેડવાના ઇરાદા સાથે ષડયંત્ર અને જાસૂસી પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ થવા બદલ ગુજરાતના અલ્તાફ હુસૈન ઘાંચીભાઈ ઉર્ફે શકીલ અને પાકિસ્તાની નાગરિક વસીમ સામે શુક્રવારે હૈદરાબાદની કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું, એમ આ તપાસ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
આ કેસ પાકિસ્તાનના એજન્ટો દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનાહિત ષડયંત્ર સંબંધિત છે. આ કેસ મૂળમાં આંધ્રપ્રદેશ પોલીસે દાખલ કર્યો હતો અને ગયા વર્ષના ડિસેમ્બરમાં એનઆઇએએ ફરી કેસ દાખલ કર્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ આરોપીઓએ ફેસબૂક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળો અંગેની દેશની સંરક્ષણ સંબંધિત મહત્ત્વની અને સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં સામાન્ય નાગરિકોનો ઉપયોગ કર્યો હતો.