ભારતીય મૂળના ભૂતપૂર્વ મિનિસ્ટર અને યુકેની COP26 સમિટના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપનાર આલોક શર્માને કિંગ ચાર્લ્સ III દ્વારા બહાર પાડવામાં આવેલી તેમની પ્રથમ નવા વર્ષની ઓનર્સની યાદીમાં ક્લાઈમેટ ચેન્જ સામે લડવાના તેમના યોગદાન બદલ નાઈટહૂડનો ખિતાબ આપવામાં આવ્યો છે.
યુકે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના પરમેનન્ટ અન્ડર-સેક્રેટરી અને રાજદ્વારી વડા સર ફિલિપ બાર્ટને જણાવ્યું હતું કે ‘’આલોક શર્માને COP26માં તેમના નેતૃત્વ દ્વારા આબોહવા પરિવર્તન સામે લડવાના તેમના યોગદાન બદલ નાઈટહૂડ અપાયું છે અને યુકેને વ્યક્તિગત દેશોમાંથી ઐતિહાસિક કરાર પર સહમત કરવા માટે પ્રેરિત કરે છે જે ભવિષ્યમાં આબોહવા પરિવર્તનને સંબોધવામાં મોટી અસર કરશે. હું તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આભારી છું.”
આલોક શર્માએ પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે “હું આ સન્માન મેળવીને નમ્રતાની લાગણી અનુભવું છું. COP26 કોન્ફરન્સનું આયોજન અને લગભગ 200 દેશોને ગ્લાસગો ક્લાઈમેટ પેક્ટ સાથે સંમત કરવાં એ UK ટીમનો એક મહાન પ્રયાસ હતો, જેને વિશ્વભરના અમારા ઘણા સમર્પિત સિવિલ સર્વન્ટ્સ અને રાજદ્વારીઓ દ્વારા સમર્થન મળ્યું હતું. જો આપણે સરેરાશ ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 1.5 ડિગ્રીની ઉપર મર્યાદિત કરવાની સંભાવનાને જીવંત રાખવી હોય તો બધા દેશોએ તેમની આબોહવા ક્રિયા પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટેના પોતાના પ્રયત્નો બમણા કરવા પડશે. તો જ ક્લાયમેટ ચેન્જની સૌથી ખરાબ અસરોને ટાળવામાં મદદ થશે.’’
આગ્રામાં જન્મેલા 55 વર્ષીય શર્મા, ઓક્ટોબર સુધી કેબિનેટ મિનિસ્ટર હતા.