કોરોનાવાયરસ રોગચાળા સામે લડવાની વ્યાપક યોજનાઓના ભાગ રૂપે બ્રિટનના ભારતીય મૂળના યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી, આલોક શર્માએ ઑક્સફર્ડશાયરમાં હાર્વેલ સાયન્સ એન્ડ ઇનોવેશન કેમ્પસ ખાતે રસીનુ ઉત્પાદન કરનાર યુનિટને વેગ આપવા માટે 93 મિલિયન પાઉન્ડના નવા રોકાણની જાહેરાત કરી હતી.
શ્રી શર્માએ જણાવ્યું હતુ કે આ નવુ વેક્સીન મેન્યુફેક્ચરીંગ એન્ડ ઇનોવેશન સેન્ટર (VMIC) પૂર્ણ થયા પછી છ મહિનામાં ટૂંકા ગાળામાં સમગ્ર યુકેની વસ્તી માટે પૂરતી રસી ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવશે. ભંડોળ સુનિશ્ચિત થતા શેડ્યૂલના 12 મહિના પહેલાં અને આગામી વર્ષના પહેલા ભાગમાં આ સેન્ટર ખોલાશે. વધુ 38 મિલિયન પાઉન્ડનુ સરકારનું રોકાણ સુવિધાને ઝડપી બનાવશે. રસી શોધવામાં આંતરરાષ્ટ્રીય જોડાણમાં સૌથી મોટો ફાળો આપનાર તરીકે યુકે વૈશ્વિક પ્રતિસાદની આગેવાની કરી રહ્યું છે. એકવાર સફળતા મળે પછી આપણે લાખો લોકો માટે રસી તૈયાર કરી શકીશું. નવું કેન્દ્ર રસીઓના મોટા પાયે ઉત્પાદનને વિકસાવવા અને આગળ વધારવા માટે સ્થાપિત કરવામાં આવશે. તે યુનિટ ભવિષ્યના વાયરસ સામે યુકેની લાંબા ગાળાની ક્ષમતાને તેમ જ ફલૂ વાયરસ જેવી હાલની બીમારીઓ માટેના રસીના ઉત્પાદનને પણ વેગ આપશે.’’
યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશનના ચિફ એક્ઝિક્યુટિવ સર માર્ક વૉલપોર્ટે જણાવ્યું હતું કે, “રોગો અને અન્ય જૈવિક જોખમો સામે યુકેના શસ્ત્રાગારમાં વેકસીન મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇનોવેશન સેન્ટર એક આવશ્યક નવું શસ્ત્ર છે, જે સુનિશ્ચિત કરે છે કે રસીઓ ઝડપથી લોકોને મળી શકે. યુનિવર્સિટી ઓફ ઑક્સફર્ડ અને ઇમ્પિરિયલ કોલેજ લંડનની ટીમોએ અભૂતપૂર્વ ઝડપે સંભવિત કોરોનાવાયરસ રસી વિકસાવી છે.
યુકે સરકારે કોલિશન ફોર એપીડેમિક પ્રીપેરનેસ ઇનોવેશન માટે સૌથી સર્વોચ્ચ 250 મિલિયન પાઉન્ડના યોગદાન માટે વચન આપ્યું છે અને 4 જૂને, વેકસીન એલાયન્સ, ગેવી માટે આગામી વૈશ્વિક કોન્ફરન્સનુ પણ આયોજન કરી રહ્યું છે. યુકે દ્વારા કોવિડ-19 વ્યૂહરચનાના ભાગ રૂપે રસી, પરીક્ષણો અને સારવાર વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવને 388 મિલિયન પાઉન્ડની મદદ જાહેર કરી છે.