Facebook owner Meta will cut another 10,000 jobs
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં ધાર્મિક લઘુમતીઓ વિરૂદ્ધના હુમલાઓ ઉપર નજર રાખતા એક ગ્રુપના સ્થાપકના ધ્યાન ઉપર આવેલી એક ચોંકાવનારી બાબત એવી છે કે, ફેસબુક યુઝર્સ દ્વારા એ માધ્યમનો ઉપયોગ કરી એક કહેવાતા ઉગ્રવાદી હિંદુ સંગઠનના સભ્યો માટેના મંચ થકી લોકોને હેન્ડગન્સ, રાઈફલો, શોટગન તથા બુલેટના વેચાણની ઓફર કરાય છે.
એક દાવા મુજબ આ ગ્રુપના સ્થાપક રકિબ હમીદ નાયકના ધ્યાન ઉપર આ રીતે શસ્ત્રોના વેચાણની ઓફર કરતી આઠ પોસ્ટ આવી છે, જેમાંથી કેટલીક તો છેક ગયા વર્ષના એપ્રિલથી ફેસબુક ઉપર મુકાયેલી હતી. નાયકે ફેસબુકની માલિક કંપની – મેટા પ્લેટફોર્મ્સ ઈન્કો.ને આ વર્ષના જાન્યુઆરીના અંતિમ તબક્કે આવી વાંધાજનક અને મેટા દ્વારા જાહેરમાં દર્શાવવામાં આવેલી કંપનીની નીતિનું ઉલ્લંઘન કરતી પોસ્ટ્સ વિષે જાણ કરવાનું શરૂ કર્યું હતું. મેટાની નીતિ મુજબ ફેસબુકના ઉપયોગકર્તાઓ માટે ખાનગી વ્યક્તિ તરીકે ફેસબુક પ્લેટફોર્મ્સ ઉપરથી શસ્ત્રો કે તેમાં ઉપયોગ માટેનો દારૂગોળો ખરીદવા કે વેચવાનું કૃત્ય પ્રતિબંધિત છે.

અમેરિકન અખબાર ધી વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ પહેલા તો ફેસબુકે નાયકની રજૂઆત છતાં આવી ફેસબુક પોસ્ટ્સ હટાવવા ઈનકાર કર્યો હતો. મેટાએ એવું જણાવ્યું હતું કે, તે કંપનીના નિયમોનો ભંગ કરતી નથી. પણ વોલ સ્ટ્રીટ જર્નલે એવી પોસ્ટ્સ વિષે પૂછપરછ કર્યા પછી ફેસબુકે એ પોસ્ટ્સ હટાવી દેતાં એવું જણાવ્યું હતું કે, તે કંપનીની નીતિઓ વિરૂદ્ધની છે. મેટાની એક મહિલા પ્રવકત્તાએ જો કે, એ પોસ્ટ્સ પહેલા શા માટે નહોતી હટાવાઈ તેવા પ્રશ્નનો જવાબ આપ્યો નહોતો.

મેટા સામે ભારતમાં માનવાધિકાર ગ્રુપ્સે એવી ટીકા કરી છે કે તે પોતાના પ્લેટફોર્મ્સ ઉપર ભારતમાં પુરતા પ્રમાણમાં નિયમ પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. ઉપયોગકર્તાઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત મેટા (ફેસબુક) નું સૌથી મોટું માર્કેટ છે, ત્યાં 300 મિલિયનથી વધુ લોકો ફેસબુકનો અને 400 મિલિયનથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે.
ભારતમાં રીવોલ્વર, બંદૂક વગેરે જેવા શસ્ત્રો અને દારૂગોળાનું વેચાણ કડક નિયંત્રણો ધરાવે છે, તેના નિયમો મુજબ તે ખરીદનારા ઓછામાં ઓછા 21 વર્ષના હોવા જોઈએ અને તેની પાસે હથિયારો રાખવા માટે લાયસન્સ હોવું જોઈએ. હથિયારો વેચનારાઓ પાસે પણ લાયસન્સ હોવા ફરજિયાત છે.

ફેસબુક ઉપર સમાન વિચારસરણી ધરાવતા લોકોના મંચને ગ્રુપ્સ તરીકે ઓળખવામાં આવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ કે વીએચપીની યુવા પાંખ – બજરંગ દળ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા ગ્રુપ્સના પેજ ઉપર આવી શસ્ત્રોના વેચાણની જાહેરાતો મુકાયેલી જોવા મળી હતી. વીએચપી સત્તાધારી ભાજપ જે પરિવારની સભ્ય છે તે આરએસએસ સાથે જ સંકળાયેલી છે.

આ મુદ્દે જર્નલના અહેવાલ મુજબ બજરંગ દળને 2018માં અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા – સીઆઈએ દ્વારા ઉગ્રવાદી ધાર્મિક સંગઠન તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. ધાર્મિક રીતે પ્રેરિત હત્યાના ગુનાસર બજરંગ દળના સભ્યોને ભૂતકાળમાં ભારતમાં કસૂરવાર ઠેરવાયા છે અને તેમને કેદની સજા પણ થયેલી છે.

બજરંગ દળ અને વીએચપીના એક પ્રવકત્તાએ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, બજરંગ દળ વિષેનું અમેરિકાની સરકારનું તારણ ગેરમાર્ગે દોરાયેલું છે, તેના કોઈ સભ્યો શસ્ત્રો ખરીદે નહીં કે તેઓ હિંસામાં પણ માનતા નથી. તો આરએસએસ અને ભારતના વડાપ્રધાનના કાર્યાલયને આ મુદ્દે પ્રતિભાવ માટે વિનંતી કરાઈ હતી પણ તેઓએ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો.

જર્નલ દ્વારા નિહાળવામાં આવેલી ફેસબુક પોસ્ટ્સ મુજબ બજરંગ દળ સાથે સંકળાયેલા ફેસબુક ગ્રુપ્સના યુઝર્સે મુસ્લિમો સામે શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપેલી હતી.

ફેસબુક માટે ઈન્ડિયા એક મહત્ત્વની માર્કેટ છે, કારણ કે એક અબજ (વન બિલિયન) થી વધુ લોકોની વસતિ ધરાવતા દુનિયાના એક માત્ર બીજા દેશ ચીનમાં ફેસબુકને બિઝનેસની મંજુરી જ નથી અપાઈ. અને 2020માં જ ફેસબુકે ભારતમાં એક ટેલિકોમ ઓપરેટર સાથે ભાગીદારીમાં 5.7 બિલિયન ડોલર્સના નવા મૂડીરોકાણની જાહેરાત પોતાના કારોબારના વિસ્તરણ માટે કરવાની જાહેરાત કરી હતી. આ રીતે, ફેસબુકનું વિદેશોમાં સૌથી મોટું મૂડીરોકાણ ભારતમાં છે.

વોલ સ્ટ્રીટ જર્નલના જ અહેવાલ મુજબ 2020માં ફેસબુક એવા તારણ ઉપર આવી હતી કે, જેમાં બજરંગ દળને સંભવત રીતે ખતરનાક સંસ્થા ગણાવાઈ હતી, જેના ઉપર ફેસબુકમાં પ્રતિબંધ મુકાવો જોઈએ. પણ ખુદ ફેસબુકની સીક્યોરિટી ટીમે કંપનીને આપેલા રીપોર્ટ મુજબ બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવાનું પગલું ખુદ ફેસબુક માટે જોખમી બની રહેવાની શક્યતા છે, તેનાથી કંપનીની ઈન્ડિયામાં કારોબારની તકો તેમજ તેના સ્ટાફ ઉપર સલામતી માટે પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ રીપોર્ટ પછી ફેસબુકે બજરંગ દળ સામે કોઈ કાર્યવાહી કરી નથી.

LEAVE A REPLY