ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવતી ડોક્યુમેન્ટરી રીલીઝ કર્યા પછી ત્યાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની (બીબીસી)ની મુશ્કેલીઓ વધી રહી છે. દેશના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે દ્વારા બીબીસી ઇન્ડિયા વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) અંતર્ગત ફોરેન એક્ષ્ચેન્જના નિયમોનું કથિત રીતે ઉલંઘન કરવા કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડારેક્ટોરેટ દ્વારા બીબીસીના વિદેશમાં નાણાની હેરફેરની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીએ બીબીસીને તેના નાણાકીય વ્યવહારની વિગતો રજુ કરવા જણાવ્યું છે.
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં બીબીસીની દિલ્હી અને મુંબઈ ખાતેની ઓફિસોમાં આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યો હતો. જેમાં સર્વે બીબીસીના કર્મચારીઓની રાતભર પૂછપરછ કરવામાં આવી હતી. વિભાગે આરોપ લગાવ્યો હતો કે બીબીસી ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમોનું પાલન નથી કરી રહી. ટ્રાન્સફર પ્રાઈસિંગના ધોરણોનું સતત અને ઇરાદાપૂર્વક ઉલ્લંઘન થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 17 જાન્યુઆરી 2023ના રોજ બીબીસી દ્વારા 2002ના ગુજરાત રમખાણો અંગેની “ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન” નામની ડોક્યુમેન્ટ્રી રીલીઝ કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન મોદીને રમખાણો માટે સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. તેના અઠવાડિયા પછી જ આવકવેરા વિભાગની કાર્યવાહી થઇ હતી.